શકરાભાઈ ચાવડાએ પગ ભાંગી જવા અને ઝેરી મધમાખી ડંખ મારતા કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ: શાપર વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટ : કોટડા સાંગાણી તાલુકાના પારડી ગામે રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધે શારીરિક અસહ્ય પીડા અને બીમારીથી કંટાળીને પોતાના ઘરે હાર્પિક લિક્વિડ પી આપઘાત કરી લીધો છે. સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજકોટ નજીક આવેલા કોટડા સાંગાણી તાલુકાના પારડી ગામે રહેતા શકરાભાઈ દેવાભાઈ ચાવડા (ઉં.વ. ૮૦) નામના વૃદ્ધે ગત તા. ૨૦ના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર હાર્પિક લિક્વિડ ગટગટાવી લીધું હતું. આ વિષયક્ત પ્રવાહી પીધા બાદ તેમની તબિયત લથડતા પરિજનો દ્વારા તેમને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન ગત દિવસે તેમણે દમ તોડ્યો હતો.
આ કરુણ ઘટના અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા જાણ કરવામાં આવતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછ અને મૃતકના પુત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શકરાભાઈનો થોડા સમય પહેલાં પગ ભાંગી ગયો હતો અને ત્યારબાદ તેમને ઝેરી મધમાખી પણ કરડી ગઈ હતી. આ શારીરિક તકલીફો અને બીમારીની અસહ્ય પીડાથી કંટાળીને તેમણે આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.
મૃતક શકરાભાઈને સંતાનમાં બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે, તેમજ તેઓ ત્રણ ભાઈઓ અને બે બહેનોના પરિવારમાં મોટા ભાઈ હતા. વૃદ્ધ વયે કંટાળીને આપઘાત કરી લેતા ચાવડા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. હાલ આ મામલે શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ચાલુ રાખી છે.


