વડલી ચોક વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ જવેલર્સના માલિક હિરેનભાઈ ધીનોજા (ઉ.વ.42)ને સેવંત્રા ગામના ૨૦ વર્ષ જૂના ગ્રાહક દેવરખી બારીયાએ રૂ.૬૧.૬૪ લાખના દાગીના ખરીદી રૂ.૩૯ લાખ આપ્યા : બાકીની રકમ ચૂકવવામાં હાથ ઊંચા કરી ગાળો ભાંડી, ગુનો દાખલ
રાજકોટ : ઉપલેટાના વડલી ચોક વિસ્તારમાં આવેલી જાણીતી ‘ઇન્દ્રપ્રસ્થ જવેલર્સ’ના માલિક હિરેનભાઈ ધીનોજા સાથે સેવંત્રા ગામના જૂના ગ્રાહકે રૂ.૨૨.૬૪ લાખની મોટી ઠગાઈ આચરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ માર્ચથી ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન લાખો રૂપિયાના સોનાના દાગીના ખરીદી આંશિક રકમ ચૂકવ્યા બાદ બાકી નીકળતી રકમ ન આપી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉપલેટાના મંડપ રોડ પર આવેલ જીરાપા પ્લોટમાં રહેતા અને વડલી ચોકમાં ઇન્દ્રપ્રસ્થ જવેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા ૪૨ વર્ષીય સોની વેપારી હિરેનભાઈ બંકિમચંદ્ર ધીનોજાએ ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સેવંત્રા ગામના વતની અને હાલ ઉપલેટામાં જ વસવાટ કરતા દેવરખી વેજાનંદ બારીયા નામના શખ્સ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દેવરખી બારીયા છેલ્લા વીસ વર્ષથી વેપારીની દુકાનેથી ઘરેણાંની ખરીદી કરતો હોવાથી બંને વચ્ચે ગાઢ પરિચય અને વ્યવસાયિક વિશ્વાસનો સંબંધ કેળવાયો હતો.
બનાવની વિગત અનુસાર, માર્ચ ૨૦૨૪થી ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન દેવરખી બારીયા તથા તેનો પુત્ર ડાર્વિન અવારનવાર ઇન્દ્રપ્રસ્થ જવેલર્સ ખાતે આવ્યા હતા. તેમણે વેપારી પાસેથી સોનાની ચેન, પેન્ડન્ટ, સોનાનો હાર, સોનાના કરડા તેમજ અન્ય રેડીમેઇડ સોનાના દાગીના મળી કુલ ૮૨.૭૫ તોલા (૮૨૭ ગ્રામ ૫૦૦ મિલી) સોનાની ખરીદી કરી હતી. આ તમામ દાગીનાની કુલ કિંમત રૂ.૬૧,૬૪,૮૭૫ થતી હતી. આ ખરીદી તેમણે અલગ-અલગ તારીખે પોતાના તથા અન્ય લોકોના નામે કાચા બિલ બનાવીને કરી હતી.
દાગીના ખરીદ્યા બાદ દેવરખીએ તે સમયે કટકે-કટકે કુલ રૂ.૩૯ લાખની ચૂકવણી કરી હતી, જ્યારે બાકી નીકળતા રૂ.૨૨,૬૪,૮૭૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં એટલે કે ત્રણ મહિનાની મુદતમાં આપી દેવાનો વાયદો કર્યો હતો. મુદત પૂરી થતાં વેપારીએ પાકા બિલ બનાવી આપવાની શરતે ઘરેણાં સોંપ્યા હતા. જોકે, ડિસેમ્બર ૨૦૨૪માં મુદત પૂરી થતાં જ્યારે સોની વેપારી હિરેનભાઈએ દેવરખીને ફોન કરીને બાકી નીકળતી રકમની ઉઘરાણી કરી, ત્યારે આરોપીએ અચાનક પોતાનો અસલી ચહેરો બતાવી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને રકમ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
તપાસ દરમિયાન સોની વેપારીને અન્ય જૂના ગ્રાહક નારણભાઈ રાવલીયા પાસેથી પણ જાણવા મળ્યું હતું કે દેવરખી બારીયાએ તેમની પાસેથી પણ સોનાના દાગીના ખરીદીને પૈસા બાકી રાખ્યા છે અને ચૂકવ્યા નથી. આથી દેવરખી બારીયાનો હેતુ શરૂઆતથી જ દાગીના ઓળવી જવાનો અને છેતરપિંડી કરવાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. ગ્રાહકે વિવિધ નામે કાચા બિલો બનાવીને વેપારીનો વિશ્વાસ જીત્યો હતો અને આખરે લાખો રૂપિયા ઓળવી જઈ હાથ ઊંચા કરી દીધા હતા.
પોતાની સાથે ૨૨.૬૪ લાખથી વધુની ઠગાઈ થઈ હોવાનું માલૂમ પડતાં આખરે સોની વેપારી હિરેનભાઈ ધીનોજાએ ઉપલેટા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે હિરેનભાઈની ફરિયાદના આધારે સેવંત્રાના દેવરખી વેજાનંદ બારીયા વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગાળો આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરવા અને નાણાંની વસૂલાત માટે ચક્રો ગતિમાન કર્યા છે.


