શનિવાર, જુલાઇ 19, 2025

ઈ-પેપર

શનિવાર, જુલાઇ 19, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની ગેરવર્તણૂંકથી પીજીવીસીએલના અધિકારીઓ-કર્મચારીઓની ગરીમા ખરડાઇ છે...

મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની ગેરવર્તણૂંકથી પીજીવીસીએલના અધિકારીઓ-કર્મચારીઓની ગરીમા ખરડાઇ છે : જીબીઆ

રાજકોટમાં ચાર દિવસ પૂર્વે મ્યુ.કોર્પોરેશનનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જામટાવર ખાતેની પીજીવીસીએલની કચેરીમાં બોલાવેલ હલ્લાબોલનો વિવાદ વકર્યો : પાવર સપ્લાય બંધ ન થાય તે અંગેનું દબાણપૂર્વક લખાણ કરવા ફરજ પાડી અધિકારીને અપમાનિત કર્યા : કલેકટરને આવેદન

જીઇબી એન્જિનિયર્સ એસો. દ્વારા પીજીવીસીએલના એમ.ડી., પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનરને લેખીતમાં રજૂઆત : ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજૂઆત કરી પગલાં લેવા માંગ : જયમીન ઠાકરે તા.29ના રોજ મોડી રાત્રે જામટાવર કચેરીમાં આવી ઉચ્ચ અધિકારીઓ સાથે અપમાનજનક અને બિનસંસદીય શબ્દોમાં અસભ્યતાભર્યું વર્તન કર્યું છે : એમ.એમ. કડછા (જીબીઆ)

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ કર્મચારીઓમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયેલા મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે રાત્રિના બે વાગ્યે જામટાવર સ્થિત કચેરી ખાતે હલ્લાબોલ બોલાવ્યો હતો તેના પડઘા સમગ્ર વીજ વર્તુળોના નાના-મોટા તમામ કર્મચારીઓમાં પડ્યા છે. તા.29-5-25ના રોજ પ્રદ્યુમનનગર (જામટાવર) સબ ડિવિઝન ખાતે મોડી રાત્રે અંદાજે 1 વાગ્યા બાદ રાજકોટ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે અપમાનજનક અને બિનસંસદીય અસભ્યતાભર્યું વર્તન કરવા બાબતે આજરોજ પીજીવીસીએલના સિટી સર્કલના મુખ્ય ઇજનેર બી.સી. રાઠોડ, જી.એસ. સરવૈયા, જે.યુ. ભટ્ટ, આર.જે. પ્રજાપતિ વિગેરેએ કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટર પ્રભવ જોશી, પીજીવીસીએલના એમ.ડી. કેતન જોશી, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, પોલીસ કમિશનર બ્રજેશ ઝા, સેક્રેટરી જનરલ જીઇબી એન્જિનિયર્સ એસો. વિગેરેને આવેદનની નકલ આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતુ કે, રાજકોટ શહેરના જામટાવર સ્થિત પીજીવીસીએલની કચેરીમાં તા. 29-5ના રોજ 11 કેવી ભોમેશ્ર્વર ફિડરમાં મોડી રાત્રે 12:30થી 1 વાગ્યા સુધીમાં ફોલ્ટ થયેલ હોય તે દરમિયાન મહાપાલિકાના સ્ટે. કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર પ્રદ્યુમનનગર (જામટાવર) સબડિવિઝન ખાતે રાત્રે અંદાજીત 1 વાગ્યે પૂર્વ તૈયારી સાથે અન્ય માણસો તથા પ્રેસ-મીડિયા સાથે આવેલ અને અધિકારીઓને ફોન કરી ઓફિસ ખાતે ફરજિયાત આવવા દબાણપૂર્વક જણાવેલ. આથી પ્ર-નગર સબ ડિવિઝનના નાયબ ઇજનેર જે.યુ. ભટ્ટ, એચટી-2 સબ ડિવિઝનના નાયબ ઇજનેર આર.જે. પ્રજાપતિ, જુનિયર ઇજનેર, એચ.બી. સાજકા, રાજકોટ શહેર વિભાગીય કચેરી-2ના કાર્યપાલક ઇજનેર જી.કે. સરવૈયા તેમજ પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર બી.સી. રાઠોડ તાત્કાલિક પ્ર-નગર સબ ડિવિઝન ખાતે દોડી ગયેલ. તેમજ આ તમામ અધિકારીઓ સાથે ખુબજ અપમાનજનક અને બિન સંસદીય શબ્દોમાં તોછડાઇભર્યું વર્તન કરવામાં આવેલ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે અને તેના દ્વારા પાવર સપ્લાય બંધ ન થાય તે અંગેનું દબાણપૂર્વક લખાણ કરવા ફરજ પાડેલ છે. આમ જયમીનભાઇ ઠાકરના આ ગેરવર્તણૂંકથી પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરીના તમામ અધિકારી તથા કર્મચારીઓની ગરીમા ખરડાઇ હોય તેવી લાગણી અનુભવે છે. ઉપરાંત આ વીડિયોના વાયરલ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં રાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત થયેલ પીજીવીસીએલ કંપની તેમજ સરકાર પણ છબી ખરડાઇ છે. આ બાબતે આ વ્યક્તિ સામે આપના સ્તરે સરકારમાં તેમજ ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજૂઆત કરી જરુરી પગલાં લઇ પીજીવીસીએલના અધિકારીઓ તથા કર્મચારીઓ ભયમુકત વાતાવરણમાં કામ કરી શકે તે માટે ન્યાય અપાવવા જીબીઆના જનરલ સેક્રેટરી એમ.એમ. કડછાએ માંગણી કરી હતી.
રાજકોટ શહેરનાં પ્રદ્યુમનનગર(જામટાવર) સબડીવીઝન હેઠળ આવતા વોર્ડ નં-2 નો વિસ્તાર આવે છે. જે સદર વિસ્તારમાં 11 કેવી ભોમેશ્વર ફીડર અને 11 કેવી ઈન્કમટેક્ષ ફીડર હેઠળ આવે છે. 11 કેવી ભોમેશ્વર ફીડરમાં મારૂતીનગર, રેસકોર્ષ પાર્ક, ગીતગુજરી, પેટ્રીયા હોટેલ આસપાસનો વિસ્તાર, જસાણી પાર્ક, સિંચાઈ નગર, ગોકાળીયા પરા વિગેરે આવે છે. તેમજ 11 કેવી ઇન્કમટેક્ષ ફીડરમાં રામેશ્વર ચોક આસપાસનો વિસ્તાર, આદર્શ સોસાયટી, રેસકોર્ષ રીંગ રોડમાં મેયર બગલાથી, કનકાઈ હોટેલ, જિલ્લા પંચાયત ચોક વિગેરે વિસ્તાર આવે છે.
વધુમાં કલેકટર પ્રભવ જોશીને રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, ગત તા27.5ના રોજ મોડી રાત્રે 03:20 થી 04:40 સુધી 11 કેવી ઇન્કમટેક્ષ ફીડરમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલમાં નેચરલ ફોલ્ટ થવાથી બંધ થયેલ, પરંતુ રેસકોર્ષ પાસે આવેલ યુનિયન બેંકની બાજુમાં કેબલ ફોલ્ટવાળા ભાગને શોધી, તાત્કાલિક અસરથી ફોલ્ટ રીપેર થઈ શકે તેમ ના હોય અને ગ્રાહકોને ઈમરજન્સી વીજ પુરવઠો મળી રહે તે બાબતને ધ્યાનમાં રાખી, આ ફોલ્ટવાળા અન્ડર ગ્રાઉન્ડ કેબલના ભાગને તાત્કાલિક તેના બંને બાજુથી કેબલ છોડાવી, અન્ય ફીડરમાં જોડીને પાવર ચાલુ કરવામાં આવેલ તેમજ તા.28.05.2025 ના ફરી થી 11 કેવી ઈન્કમટેક્ષ ફીડરમાં મેઈન લાઈનમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ જે 66 કેવી લક્ષ્મીનગર સબ સ્ટેશનથી મહાકાલેશ્ર્વર મંદિર સુધીના 2.5 કી.મી. ભાગમાં નેચરલ ફોલ્ટ થયેલ અને રાત્રે 10:25 થી 11:40 સુધી પાવર બંધ થયેલ. જેથી આ કેબલ ફોલ્ટ વાળા ભાગને બંને બાજુથી કેબલ છોડાવી ફીડરનો ભાગ 11 કેવી ભોમેશ્ર્વર ફીડર અને 11 કેવી જંકશન ફીડરમાં એમ અલગ અલગ બે ફીડરમાં જોડીને ઈમરજન્સી પાવર ચાલુ કરવામાં આવેલ હતો. વિશેષ તા.29ના રોજ 11 કેવી ભોમેશ્વર ફીડરમાં જમ્પર ફોલ્ટ થયેલ અને રાત્રે 12:30 થી 01:00 વાગ્યા સુધી બંધ રહેલ અને ફોલ્ટ ને રીપેર કરીને 11 કેવી ભોમેશ્વર ફીડર ચાલુ કરવામાં આવ્યો હતો.
પીજીવીસીએલમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા રાત-દિવસ સખત મહેનત કરી પાવર સપ્લાય સતત મળી રહે તે રીતે કામગીરી કરવામાં આવે છે. પરંતુ કોઈ કારણોસર ફોલ્ટ થાય તેને રીપેર કરવા માટે આ પાવર નરી આંખે જોઈ શકાતો ન હોય પ્રથમ ફોલ્ટને શોધી વીજ અકસ્માતની સલામતી ધ્યાને રાખી પાવર બંધ કરી જરૂરી અથિંગ, શોર્ટ, ડીસ્ચાર્જ વિગેરે કરી અને વેરીફાય કર્યા પછી અને રીપેર કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાને લીધે ફોલ્ટ રીપેર કરવામાં પણ સમય લાગતો હોય છે જે સ્વાભવિક છે, વિશેષ આપ સાહેબને જણાવવાનું કે જયારે પણ ગુજરાતમાં કોઈ આફત આવી હોય જેમ કે તૌકતે વાવાઝોડું બીપોરજોય વાવાઝોડું, ધરતીકંપ, સુનામી વિગેરે માં પણ પીજીવીસીએલનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓના સતત પ્રયત્નો થકી પાવર સપ્લાય ત્વરિત અને જડપથી રીસ્ટોરેશન કરવામાં આવેલ હતો. રાજકોટમાં મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રજાના પ્રતિનિધિ છે તેની સાથોસાથ પીજીવીસીએલમાં ફરજ બજાવતા અમો સરકારી કર્મચારી છી આવી રીતે ઉદ્ધતા વર્તનથી કર્મચારીઓની ગરીમા ખરડાઇ છે તેમ જીબીઆના જનરલ સેક્રેટરી એમ.એમ. કડછાએ કલેકટર, પીજીવીસીએલના એમ.ડી., મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનરને લેખીતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર