રાજકોટ શહેરની સામે સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે માત્ર સામાન્ય તાવની ફરિયાદ સાથે દાખલ કરાયેલા દર્દીની અઢીથી ત્રણ મહિના સુધી સારવાર કરવામાં આવી હતી, છતાં યોગ્ય પરિણામ મળ્યું નહોતું. આ દરમિયાન હોસ્પિટલ દ્વારા સારવારના નામે અંદાજે 35 થી 40 લાખ રૂપિયા ખર્ચાવવામાં આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે.
પરિવારજનોએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી સારવાર છતાં દર્દીની સ્થિતિમાં સુધારો થવાને બદલે વધુ બગાડ થવા લાગ્યો હતો. દર્દીના માથાના ભાગેથી વાળ ઊખડવા લાગ્યા હતા તેમજ શરીર પરથી ચામડી પણ ઉતરવા લાગી હતી. જેના કારણે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.
આક્ષેપ મુજબ, બાદમાં દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં માત્ર ચાર દિવસની સારવારમાં જ દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને દર્દી સાજા થઈ ગયા હતા. જેના પગલે અગાઉ આપવામાં આવેલી સારવાર અંગે પરિવારજનોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
પરિવારજનોએ ડોક્ટર અને હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે યોગ્ય ન્યાયની માંગણી કરી છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ તપાસ કરે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હાલ આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.


