ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજ કંપની ખેતરમાં થાંભલા નાખવાનું કામ કરતા વિરોધ
સાપકડા ગામના ગ્રામજનોએ ભેગા થઈ કામ બંધ કરાવી વિરોધ કર્યો
મોરબી જિલ્લાના હળવદથી વટામણ સુધી નાખવામાં આવી રહેલી 765 કેવી હાઈટેન્શન વીજલાઇનનો ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા પૂરતું વળતર ચૂકવ્યા વગર જ ખેતરોમાં થાંભલા ઊભા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેના કારણે ખેતીની જમીન અને પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.હળવદ તાલુકાના સાપકડા ગામે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ભેગા થયા હતા અને કંપનીની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે જમીનના યોગ્ય મૂલ્યાંકન સાથે વળતર ચૂકવ્યા વગર ખેતરમાં કોઈપણ પ્રકારની કામગીરી સ્વીકાર્ય નહીં બને. વિરોધ દરમિયાન ગ્રામજનોએ કામદારોને કામગીરી બંધ કરાવી હતી અને કંપની તેમજ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.ગ્રામજનોએ માંગ કરી છે કે પહેલા ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે અને ત્યારબાદ જ વીજલાઇનની કામગીરી હાથ ધરવામાં આવે. હાલ સમગ્ર મામલે ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.


