સ્પીડ બ્રેકર મૂકવાની વારંવાર માંગ છતાં તંત્ર નિષ્ક્રિય હોવાના આક્ષેપ
રાજકોટ શહેરના જાગનાથ પ્લોટ 4 અને 5ના ખૂણા ઉપર ગઈકાલે મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહિશોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વાહનોની અતિશય ઝડપને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, છતાં પણ કોર્પોરેશન અને ટ્રાફિક બ્રાન્ચ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ ચોક ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં નિરાશા ફેલાઈ છે. રહિશોના જણાવ્યા મુજબ ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો વધુ ઝડપે પસાર થતા હોવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે.
ગઈકાલે થયેલા અકસ્માત બાદ ફરી એકવાર વિસ્તારના લોકો રસ્તા સુરક્ષાના મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે જો સમયસર સ્પીડ બ્રેકર, ટ્રાફિક સિગ્નલ અથવા ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે તો અનેક અકસ્માતોને અટકાવી શકાય છે. લોકોનું કહેવું છે કે દરરોજ નાના-મોટા અકસ્માતો અહીં સામાન્ય બની ગયા છે, જેના કારણે રહિશો તેમજ પસાર થતા લોકોમાં ભયનો માહોલ રહે છે.
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે. લોકોનું કહેવું છે કે કોઈ મોટી જાનહાની થાય તે પહેલાં કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને આ વિસ્તારને અકસ્માતમુક્ત બનાવવા માટે ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવે.


