એક 2 દિવસ પહેલા રાજકોટ શહેરના મવડી મેઈન રોડ વિસ્તારમાં 13 જેટલા મંદિરો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી, જે બાદ મવડી રોડ પર આવેલુ હનુમાનજીનું મંદિર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ કામગીરીને લઈને સ્થાનિકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો.
એવામાં આજે કોંગ્રેસે પણ રામધૂન બોલાવી ધાર્મિક દબાણો હટાવવા મામલે રોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાસ વાત એ છે કે, કોંગ્રેસે હાથમાં ગદા સાથે રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે, અહીંના મંદિર તોડી લોકોની આસ્થા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સુરત: કડોદરામાં પેટ્રોલ-ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ
સુરતના કડોદરા વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય LCBએ દરોડો પાડી હરિઓમ પાર્કિંગના માલિક સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ટેન્કર ચાલકોની મિલીભગતથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવામાં આવતી હતી. પોલીસે સ્થળ પરથી પેટ્રોલ-ડીઝલનો જથ્થો કબ્જે કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 33,735નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


