રાજકોટ શહેરમાં આવતીકાલે શ્રી સેન મહારાજની 726મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પોપટપરા-રેલનગર વિસ્તારમાં કાર્યરત શ્રી સેન મહારાજ મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું છે.
આ પ્રસંગે સેન મહારાજની મહા આરતી, સંતવાણી, ગરબા તેમજ મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ ભાવિકો હાજરી આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
શ્રી સેન મહારાજની જન્મ જયંતી નિમિત્તે દર વર્ષે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવશે.
રાજકોટના જંગલેશ્વરમાં TP રોડ બન્યો “સ્વિમિંગ પુલ”, અધૂરા કામથી લોકોમાં રોષ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં TP રોડ પર છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલું કામ અધૂરું છોડી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ પર ખોદકામ બાદ કામ બંધ કરી દેવામાં આવતા વરસાદી પાણી ભરાઈ જતાં આખો માર્ગ સ્વિમિંગ પુલ જેવો દેખાઈ રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસોથી રોડનું કામ બંધ છે અને હવે ચોમાસું નજીક આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ પર મોટા ખાડા અને પાણી ભરાવાના કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રહેવાસીઓએ તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવતું નથી. જો ચોમાસા પહેલા રોડનું કામ પૂર્ણ નહીં થાય તો વિસ્તારમાં વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તેવી પણ લોકોમાં ભીતિ જોવા મળી રહી છે.
મોરબી મનપાના પ્રથમ મેયર મુદ્દે ભાજપમાં મતભેદ, બે દિગ્ગજ નેતાઓ સામસામે
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદને લઈને ભાજપમાં આંતરિક મતભેદ સામે આવ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક દરમિયાન મંત્રી કાંતિ અમૃતિયા અને સાંસદ મોહન કુંડારિયા વચ્ચે ચર્ચા ગરમાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
માહિતી મુજબ, મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર માટે બનાવવામાં આવેલી પેનલમાં માત્ર કાંતિ અમૃતિયાના જૂથના નામોને સ્થાન આપવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. બંને નેતાઓ બેઠક દરમિયાન સામસામે આવી જતા મોરબી અંગેની ચર્ચા થોડા સમય માટે સ્થગિત કરવી પડી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મોરબી મહાનગરપાલિકાની રચના બાદ પ્રથમ મેયર કોણ બનશે તે મુદ્દે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપની અંદર ચાલી રહેલા જૂથવાદ અને નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ હવે ખુલ્લેઆમ સામે આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


