રાજકોટ શહેરના આણંદપર નવાગામ સ્થિત રૂડા ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં આવેલી માંથી કુવાડવા રોડ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળતા સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 13 બ્લુ ડ્રમમાં ભરેલો શંકાસ્પદ દારૂ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર જથ્થો કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રમમાં રહેલા પ્રવાહીનો ઉપયોગ દારૂ બનાવવામાં થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે પોલીસે ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં ચેકિંગ વધુ કડક બનાવ્યું છે. આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને મોકલવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
કુવાડવા રોડ પોલીસ દ્વારા સ્થળ પરથી પુરાવાઓ એકત્રિત કરી સંબંધિત લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. શહેરમાં દારૂના ગેરકાયદે વેપારને લઈને પોલીસ સતત સક્રિય હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
રાજકોટમાં ઇકો કાર વીજપોલ સાથે અથડાઈ, મોટો અકસ્માત ટળ્યો
રાજકોટ શહેરના ચંદ્રેશનગર મેઈન રોડ પર આજે વહેલી સવારે એક ઇકો કાર અચાનક વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત બન્યો હતો. જોકે સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કાર ઝડપી ગતિમાં હોવાને કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ પોલીસે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે.


