વર્ષ 2021માં શ્યામનગરના વિજય ડાંગરે ઘર નજીક રહેતી ભોગ બનનાર સગીરાને ઘરે એકલી હોય ત્યારે જતો અને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી કુકર્મ કરતો : સ્પેશ્યલ પોક્સો કોર્ટનો ચુકાદો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં દૂધની ડેરી પાછળના વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની સગીરાને ધમકી આપી નજીકમાં જ શ્યામનગરમાં રહેતા વિજય ડાંગરે અવારનવાર દૂષ્કર્મ આચર્યું હોય તે બનાવમાં આરોપીને રાજકોટની સ્પેશ્યલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2021ની આ ઘટનામાં ઘરે સગીરા એકલી હોય ત્યારે વિજય જતો અને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી કુકર્મ કરતો હતો. ડરી ગયેલી તરૂણીએ માતાને આપવીતી જણાવી હતી. જે બાદ ગુનો દાખલ થયો હતો.આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, રાજકોટમાં આરોપીના જ ઘર પાસે રહેતી 15 વર્ષની સગીરાએ તેની માતાને ફોન કરી જણાવેલ કે, આપણા લત્તામાં રહેતો વિજય ઘુસાભાઈ ડાંગર મને હેરાન કરે છે, જેથી તમે ઝડપથી ઘરે આવી જાવ. માતા ઘરે આવતા સગીરાએ જણાવેલ કે, આશરે છ મહિના પહેલા કોઈ ઘરે નહોતું, ત્યારે વિજય ડાંગરે મને એક ચિઠ્ઠી લખીને આપી હતી અને ફોન કરવા કહ્યું હતું.
જો ફોન નહીં કરે તો બદનામ કરી નાખીશ તેવી ધમકી આપેલ હતી. ત્યારબાદ એક દિવસ બપોરે અચાનક આ વિજય ઘરે આવેલ મને પકડી ઘરના ઉપરના રૂમમાં લઈ ગયેલ. મારી સાથે બળજબરીથી બળાત્કાર કરેલ હતો. આ વાત કોઈને કરીશ તો તને તથા તારા પરિવારને બદનામ કરીને મારી નાખીશ તેવી ધમકી આપેલ હતી. ત્યારબાદ અવાર નવાર ઘરે કોઈ ન હોય ત્યારે આ વિજય ઘરે આવતો અને મારી સાથે શરીર સંબંધ બાંધતો.
સગીરાએ આપવીતી જણાવતા માતા સ્તબ્ધ થઈ ગયા હતા. વધુમાં સગીરાએ કહ્યું કે, આજે પણ આ વિજય ડાંગર આપણા ઘર પાસે આવેલ હોય જેથી મને ડર લાગતા મેં તમને ફોન કરી બોલાવેલ છે. આ અંગે માતાએ થોરળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી વિજય ડાંગરની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. તેના વિરુદ્ધ પુરતા પુરાવા એકત્ર કરી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. આ કેસ ચાલવા પર આવતા ફરિયાદીના વકીલ કલ્પેશ એલ. સાકરીયા, સરકાર તરફે અતુલ.એચ.જોશી, તથા આબીદ એ. સોસનએ દલીલો કરી હતી.
આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે, ફરિયાદીએ જે ફરિયાદ આપેલ તે મોડી આપેલ છે. મોડી ફરિયાદ કેવા કારણોથી મોડી આપેલ તેનું કારણ તેની ફરિયાદમાં જણાવેલ નથી. તથા જે 15 વર્ષની સગીરાનો જન્મનો દાખલો પણ ખોટો છે. ફરિયાદીએ ખોટી હકીકત વાળી ફરિયાદ કરેલ છે. જેવા મતલબનો આરોપી તરફે અલગ-અલગ બચાવ કરેલ હતો.
જયારે સરકાર તરફે એવી રજૂઆત કરેલ કે, મોડી ફરિયાદ કરવાથી ખોટી ફરિયાદ છે તેમ માની ન શકાય. આરોપીએ જયારે 15 વર્ષની સગીરાને બદનામ કરી પરિવારને જાનથી મારવાની ધમકી આપેલ હોય તેવા કારણેથી મોડી ફરિયાદ કરેલ. જન્મનો દાખલો રાજકોટ જન્મ નોંધણી વિભાગમાં નોધાયેલ છે. જેની નોંધ પણ થયેલ છે. સત્ય હકીતતના આધરે 15 વર્ષની સગીરાએ પણ કોર્ટમાં બનાવને સમર્થન આપ્યું છે. ગુન્હો સાબિત થાય છે. બંને પક્ષની દલીલો ધ્યાને લઈને સ્પે.પોક્સો કોર્ટે આરોપી વિજય ઘુસાભાઈ ડાંગરને તકસીરવાન માની આજીવન કેદની સજા તથા રૂ.50,000નો દંડ ભરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં મૂળ ફરિયાદી વતી રાજકોટના યુવા વકીલ કલ્પેશ એલ. સાકરિયા, સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ અતુલ.એચ.જોશી, તથા આબીદ એ. સોસન રોકાયેલ હતા.