(આઝાદ સંદેશ), રાજકોટ : જીએસટીના કરોડોના ચકચારી કૌભાંડમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટ દ્વારા આઈપીસીની કલમ 465, 467, 468, 471, 474, 420 અને 120(બી) હેઠળ નોંધાયેલ બે ગુન્હામાં વેપારી મિહિર પટેલને આગોતરા જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ રાજકોટના અધિક સત્ર ન્યાયાધીશ શ્રી એસ. એ. ગલેરિયા દ્વારા તા. 18/02/2025 ના રોજ ફરમાવવામાં આવેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, સેન્ટ્રલ જીએસટી વિભાગ, રાજકોટમાં ફરજ બજાવતા અધિકારી જયપ્રકાશ સિંઘ દ્વારા ડી.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટને ફરિયાદ આપવામાં આવેલ કે તા. 01/06/2023 થી તા. 30/09/2023 દરમ્યાન કોઈ વ્યક્તિ દ્વારા પરમાર એન્ટરપ્રાઇઝના નામથી બનાવટી ભાડા કરાર બનાવી ભાડા કરાર ખોટો હોવાનું જાણવા છતાં એ ભાડા કરારને ખરા તરીકે સેન્ટ્રલ જીએસટી ઓફિસ, રાજકોટ ખાતે જીએસટી વિભાગમાં ઓનલાઈન રજૂ કરી પરમાર એન્ટરપ્રાઇઝના નામે જીએસટી રજીસ્ટ્રેશન મેળવી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે અન્ય 14 કંપનીના સંચાલકો સાથે મળી ગુનાહિત કાવતરૂં રચી બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆતો દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી ખૂબ જ મોટી રકમનું સરકારને આર્થિક નુકસાન પહોંચાડેલ છે. ઉપરોક્ત ફરિયાદના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટ દ્વારા તા. 27/11/2024 ના રોજ ગુન્હો નોંધી પરમાર એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકો તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનાર કેટલાક વેપારીઓની ધરપકડ કરવામાં આવેલ. ઉપરોક્ત ગુન્હામાં પરમાર એન્ટરપ્રાઇઝ પાસેથી ખરીદી બતાવી વેરાશાખ ભોગવનાર વેપારી મિહિર પટેલને પણ પોતાની ધરપકડ થવાની દહેશત હોય, તેઓ દ્વારા વકીલ અપૂર્વ એન. મહેતા મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવેલ. ઉપરોક્ત અરજી ચાલવા ઉપર આવતા વેપારીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે આરોપી વેપારી સામે આઈ.પી.સી.ની કોઈપણ કલમ હેઠળ ગુન્હો બનતો નથી જે હકીકત ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરના સોગંદનામાંથી સ્પષ્ટ થાય છે. અરજદાર સામે વધુમાં વધુ જીએસટી કાયદાની કલમ 132(1)(સી) હેઠળ ખોટી વેરાશાખ ભોગવવાનો ગુન્હો બને છે, પરંતુ જી.એસ.ટી. વિભાગ દ્વારા વેપારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. વધુમાં સદરહું કામના આરોપી વેપારી જેન્યુઇન બિઝનેસમેન હોય, હાલના ગુન્હામાં તે ખુદ ભોગ બનનાર હોવા છતાં ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. તદ્ઉપરાંત સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવા પર આધારિત હોય, આરોપી વેપારીની કસ્ટડી વગર પણ તપાસ આગળ વધી શકે છે. વધુમાં આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંતો ટાંકી, તર્કસંગત દલીલો, રજુઆતો કરી અરજદાર વેપારીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ. ઉપરોક્ત આગોતરા જામીન અરજીનો સરકાર પક્ષ દ્વારા ગુન્હાની ગંભીરતા જોતાં સખત વિરોધ કરી અરજી નામંજૂર કરવા રજૂઆત કરવામાં આવેલ. ઉપરોક્ત બંન્ને પક્ષોની દલીલોના અંતે બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને વેપારી મિહિર પટેલની આગોતરા જામીન અરજી મંજૂર કરતો હુકમ રાજકોટના અધિક સત્ર ન્યાયાધીશ શ્રી એસ. એ. ગલેરિયા દ્વારા તા. 18/02/2025 ના રોજ ફરમાવવામાં આવેલ છે. ઉપરોક્ત કેસમાં વેપારી મિહિર પટેલ વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા જયદીપ એમ. કુકડીયા રોકાયેલા હતા.
મહેશ લાંગાની સંડોવણીવાળા જીએસટીના કરોડોના કૌભાંડમાં મિહિર પટેલના આગોતરા જામીન મંજૂર
