રાજકોટ જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટમાં અનધિકૃત રીતે ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો અટકાવવા માટે ખાસ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કેટલીક જગ્યાએ કોમર્શિયલ ગેસના બદલે ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાની શંકા સામે આવતા તપાસ વધુ કડક બનાવવામાં આવી છે.
પુરવઠા વિભાગની ટીમોએ શહેરની અનેક હોટેલ અને ફાસ્ટફૂડ દુકાનોમાં અચાનક તપાસ કરી હતી. તપાસ દરમિયાન ‘દીપ સેન્ડવીચ ફાસ્ટ ફૂડ’ નામની દુકાનમાંથી ઘરેલુ રાંધણ ગેસનો એક બાટલો જપ્ત કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ દુકાનદારોને સૂચના આપી કે વ્યાવસાયિક ઉપયોગ માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જ ઉપયોગ કરવો પડશે.
આ ઉપરાંત રાજકોટની કનકાઈ હોટલ સહિત શહેરની કેટલીક હોટેલોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા રસોઈમાં કયા પ્રકારના સિલિન્ડરનો ઉપયોગ થાય છે, કેટલો ગેસનો જથ્થો છે અને નિયમોનું પાલન થાય છે કે નહીં તે સહિતના મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી હતી.
પુરવઠા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘરેલુ ગેસ સિલિન્ડર માત્ર ઘરગથ્થુ ઉપયોગ માટે જ છે અને તેનો વ્યાપારી ઉપયોગ કરવો નિયમ વિરુદ્ધ છે. આવા કિસ્સાઓ સામે આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં ગેરરીતિ અટકાવવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે.


