પાટણમાં ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને વિવાદ સર્જાયો છે. પરિવાર અને રબારી સમાજ દ્વારા વિરોધ થતા કિંજલ રબારીએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણ માગ્યું છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કરતા કહ્યું કે, જો તેને કે તેના પતિને કોઈ નુકસાન થશે તો તેના માટે તેનો પરિવાર જવાબદાર રહેશે.
ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને પાટણમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. રાધનપુર તાલુકાના સિનાડ ગામની રહેવાસી અને જાણીતી લોકપ્રિય ગાયિકા કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ તેના પરિવાર અને રબારી સમાજમાં ભારે રોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સમાજ દ્વારા કિંજલ રબારી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી હોવાના દાવા પણ સામે આવ્યા છે.
પોલીસ રક્ષણ માગી પરિવારને ઠેરવ્યો જવાબદાર
આ સમગ્ર વિવાદને પગલે સિંગર કિંજલ રબારીએ પોતાના અને તેના પતિના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણ માગ્યું છે. કિંજલ રબારીએ આક્ષેપ કર્યો છે કે, પ્રેમલગ્ન કરવા બદલ તેને બદનામ કરવામાં આવી રહી છે. તેણે સમાજ અને પરિવાર સામે પણ વાંધો ઉઠાવ્યો છે, જેઓ તેના પ્રેમલગ્નને કારણે વિરોધ કરી રહ્યા છે.
ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈ મોટો વિવાદ
બીજી તરફ રબારી સમાજ દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કિંજલનો સંપર્ક કરવા અને તેને પરત લાવવા માટેના પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી છે. હાલ કિંજલ રબારી ક્યાં છે તેની ભાળ મળતી નથી, પરંતુ તેણે પોતાના નિવેદનમાં પોતાના પરિવાર અને સમાજને જ જવાબદાર ઠેરવ્યા છે. આ વિવાદ હજુ વધુ વકરે તેવી શક્યતાઓ છે, કારણ કે કિંજલ રબારીએ પોતાના પતિના રક્ષણ માટે પણ અપીલ કરી છે. આ મામલે તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.


