બુધવારે ધો-12માં સ્કૂલના વોશરૂમમાં જઇ વિદ્યાર્થી દ્વારા ચોરી કરાવતા હોવાની ફરિયાદ, માઇક્રો કોપી દ્વારા થતી ગેરરીતિ ?
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના છેવાડે ભાવનગર રોડ ઉપર ત્રંબા નજીક આવેલી પોપ્યુલર સ્કૂલ વિવાદમાં આવી છે. ઉપરોકત સ્કૂલમાં ગઇકાલે સવારના ભાગમાં વોશરૂમના બહાને અંદર જઇ ચોરી કરાવવામાં આવતી હોવાની ફરિયાદ પરીક્ષા સચિવ સુધી પહોંચી છે. અમુક વાલીઓએ ઇ-મેઇલ કર્યાનું પણ બહાર આવ્યું છે ત્યારે પરીક્ષા કેન્દ્રમાં ઉપરોકત ગેરરીતિ બાબતે ડીઇઓને ફરિયાદ મળતાં તેમણે તાકીદે તપાસના આદેશ આપતાં ગઇકાલે જ ટીમ દોડી ગઇ હતી. દરમિયાન પરીક્ષા બાદ ગઇકાલની ઘટનાના સીસીટીવીનું રેકોર્ડિંગ ડીઇઓ કચેરીમાં અન્ય કેન્દ્રોના ફૂટેજની જેમ જ ચકાસવામાં આવશે તેમ ડીઇઓ કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું.
દરમિયાન ઉપરોકત બનાવમાં ગેરરીતિ એટલે કે, ધો-12માં વોશરૂમના બહાને જઇ ચોરી કરવામાં આવતી હોવાની માહિતી હજુ ડીઇઓના ગળે ઉતરતી નથી આમ છતાં મેનેજમેન્ટના ઇશારે આ ગેરરીતિ થઇ રહી છે કે કેમ ? તે દિશામાં સીસીટીવીની ચકાસણી બાદ જ સાચી હકીકત બહાર આવશે. ગેરરીતિ જણાશે તો સ્કૂલના પરીક્ષા કેન્દ્ર બાબતે પ્રતિબંધ સુધીના પગલાં લેવાય તેવી શકયતા છે. હાલ રાજકોટ શહેર-જિલ્લામાં શાંતિપૂર્વક પરીક્ષા ચાલી રહી છે ત્યારે ત્રંબાના પોપ્યુલર સ્કૂલમાં ધો-12માં (ગઇકાલે) થયેલી ગેરરીતિ ‘ટોક ઓફ ધ ટાઉન’ બની ગઇ છે.
શાળાના આચાર્યનો લૂલો બચાવ ! કે કોઇએ ષડયંત્ર રચી સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે…?
ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને હાલ સરદાર ધામના સૌરાષ્ટ્ર ઝોનનાં મહિલા પ્રમુખ શર્મિલા બાંભણિયાની પોપ્યુલર સ્કૂલ વિવાદમાં આવી ગઇ છે. બીજી તરફ પોપ્યુલર સ્કૂલ તરફથી શાળાના સંચાલક દ્વારા ડીઇઓને કરવામાં આવેલા ખુલાસામાં જાણવા મળેલી વિગતો અનુસાર શાળાના શિક્ષક કે આચાર્ય તરફથી આવી કોઇ ગેરરીતિ કરવામાં આવી ન હોવાનું જણાવેલ છે. કોઇ હિતશત્રુએ સંસ્થાને બદનામ કરવાના ઇરાદાથી આવુ કૃત્ય આચર્યાની વિગતો બહાર આવી છે. વધુમાં ખુલાસામાં જણાવ્યું છે કે, અમારી શાળાનું કેન્દ્ર અન્ય સ્થળે આપવા તૈયારી બનાવી હતી.