રાજકોટના રૈયાધાર વિસ્તારમાં યુવકની હત્યા થયાના મામલે પરિવારજનોએ ન્યાયની માંગ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા શરૂ કર્યા છે. મૃતકના પરિવારજનોએ આરોપીઓને ઝડપથી પકડી પાડવાની માંગ કરી છે અને જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
માહિતી મુજબ હત્યાના આ મામલે પરિવારજનોએ પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. મૃતકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બેસીને “આરોપીઓને ઝડપી પાડો અને અમને ન્યાય આપો” તેવી માંગ ઉઠાવી હતી. જેના કારણે હોસ્પિટલ વિસ્તારમાં થોડો સમય માટે તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું.
આ દરમિયાન પરિવારજનોએ ચીમકી આપી હતી કે જો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં અપાય તો તેઓ મૃતદેહ લઈને પોલીસ કમિશનર કચેરીએ જશે. આ નિવેદન બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હજુ સુધી આરોપીઓને પકડવામાં આવ્યા નથી, જેના કારણે તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા પરિવારજનો સાથે ચર્ચા ચાલી રહી છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


