રવિવાર, માર્ચ 9, 2025

ઈ-પેપર

રવિવાર, માર્ચ 9, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટજાહેરમાં ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે કડક કાયદાકિય પગલાંની ફાઇલ 7 વર્ષથી ગુમ!

જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે કડક કાયદાકિય પગલાંની ફાઇલ 7 વર્ષથી ગુમ!

2018માં દળદાળ ગ્રંથ જેવી બાયલોઝની ફાઇલ તૈયાર થઇ પણ અચાનક જ કેમ ગુમ કરી દેવાઇ ? ‘ટીમ કમિશનર’ ફાઇલ શોધાવીને જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે કાનુની કાર્યવાહી કરવામાં સફળ થશે કે આ વર્ષે પણ પણ રાજકોટ સ્વચ્છતા સર્વેક્ષણમાં નાપાસ થશે ? : નવા ભળેલા વિસ્તારોમાં કચરાની સમસ્યા અને જાહેર માર્ગો પર ન્યુસન્સ પોઇન્ટ ટીમ કમિશનર માટે સૌથી મોટો માથાનો દુખાવો

(આઝાદ સંદેશ), રાજકોટ : કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે યોજાતી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધામાં રાજકોટનું નાક કપાય તેમ સતત પાછળ ધકેલાઇ રહ્યું છે. એનું એક કારણ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સફાઇ માટેની આળસ અને રાજકોટની પ્રજાની જાહેરમાં કચરો ફેંકવાની આદત પણ છે. નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરાએ આવતાવેંત રાજકોટને સ્વચ્છ કરવા માટે પોતાના વિશ્ર્વાસુ માણસોની અલગ જ ‘ટીમ કમિશનર’ બનાવી છે. પણ, હજી ઉડીને આંખે વળગે એવી કામગીરી ટીમ કમિશનર કરી શકી નથી. મહાનગરપાલિકાએ જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે દંડની કાર્યવાહી માટે બાયલોઝની ફાઇલ તૈયાર કરી હતી પણ, આ ફાઇલ છેલ્લા પાંચ વર્ષથી ગુમ થઇ ગયાની ચર્ચાએ મહાનગરપાલિકા તંત્રમાં જોર પકડ્યું છે. વાસ્તવમાં આ ફાઇલ ખરેખર ગુમ થઇ ગઇ છેે કે ગુમ કરી દેવામાં આવી છે? તેની તપાસ ટીમ કમિશનર જો ખાનગી રીતે કરે તો અનેક અધિકારીઓ અને કર્મચારીઓ આરોપીના પાંજરામાં આવી શકે તેમ છે! હવે જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ માટેની ટીમ ગમે ત્યારે રાજકોટ આવે તેમ છે ત્યારે, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સફાઇ માટેની આળસના કારણે જાહેર માર્ગો પર કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે. એ વાતતો સ્પષ્ટ છે જ કે, જાહેરમાં કચરો ફેકવાની સ્પર્ધામાં રાજકોટ દેશના નંબર વન સ્વચ્છ શહેર ઇંદોરથી પણ આગળ નીકળી જાય તેમ છે ! મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટ દેશના શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોની સ્પર્ધામાં સતત પાછળ ધકેલાઇ રહ્યુ છે. પ્રથમ વખત સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાયુ હતુ ત્યાંરે રાજકોટ 7માં ક્રમે હતુ. એ પછી 18માં ક્રમે અને પછી છેક 29માં ક્રમે ધકેલાયું છે. હવે આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો નંબર
કેટલામો હશે ? એ તો આવનારો સમય જ કહેશે. પણ, જ્યાં આખા શહેરનો કચરો એકત્ર થાય છે તે નાકરાવાડી અવારનવાર સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનું નાક કાપે છે. નવા ભળેલા વિસ્તારોમાં એકત્ર થતો કચરો અને ન્યુસન્સ પોઇન્ટ પણ મહત્વની ભૂમિકા છે. રાજકોટને સ્વચ્છતા મુદ્દે અવ્વલ બનાવવા નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરાએ તેમના અંગત અને વિશ્ર્વાસુ માણસોને સાથેે રાખીને ‘ટીમ કમિશનર’ની રચના કરી છે. આ ટીમ દ્વારા કામગીરી શરૂ કરી દેવાઇ છે પણ, હજી ઉડીને આંખે વળગે તેવી કામગીરી દેખાતી નથી. મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમૉ નવી ટેકનોલોજી સાથે મિલકતોનો સર્વે શરૂ કરાવ્યો છે. પણ, આ સર્વેની શહેરની સ્વચ્છતા અને સફાઇ પર કેટલી અસર થશે ? તે આવનારો સમય જ કહેશે.
અગાઉ કેન્દ્ર સરકારના આદેશના પગલે રાજકોટ સહિત દેશભરમાં સ્વચ્છતા એ જ સેવા અભિયાન શરૂ કરાયું હતું તેની પણ ખાસ અસર થઇ નથી.જ્યાંથી ન્યુસન્સ પોઇન્ટ દુર થયા હતા તે સ્થળોએ ફરીથી ન્યુસન્સ પોઇન્ટ બની ગયા છે. જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે મહાનગરપાલિકાએ 2018માં બાયલોઝ (દંડના પેટા કાયદા) બનાવવા કામગીરી હાથ ધરી હતી. પણ, આ બાયલોઝનો અમલ થઇ શક્યો નહોતો.રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા પણ એકમાત્ર અમદાવાદ મહાનગરપાલિકા માટે બાયલોઝ મંજૂર ર્ક્યા હતા. સુરત મહાનગરપાલિકાએ પણ બાયલોઝ ઘડીને રાજ્યના શહેરી વિકાસ વિભાગને મોકલ્યા હતા. આ ફાઇલનો પણ નિકાલ થયો નથી. રાજકોટ મહાનગરપાલિકાએ પણ સુરત અને અમદાવાદના પગલે જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે કાનુની કાર્યવાહી સહિતના વિવિધ મુદ્દાઓને આવરી લઇ દળદાળ ગ્રંથ તૈયાર થાય તેવા બાયલોઝ તૈયાર ર્ક્યા હતા. પણ, આ આખી ફાઇલ જ મહાનગરપાલિકા કચેરીમાંથી જ સાત વર્ષથી ગુમ કરી દેવાઇ છે !
મહાનગરપાલિકા જેવી સ્વાયત સંસ્થાઓને જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે બીપીએમસી એક્ટ હેઠળ દંડ કરવાની સત્તા ઉપરાંત બાયલોઝ (પેટાકાયદા) બનાવવવાની સત્તા પણ છે. આ સત્તાની રૂએ 2018માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સંબંધિત બાયલોઝ તૈયાર કરવા તત્કાલિન કમિશનરની ભલામણથી ક્ધસલ્ટન્ટની નિમણુંક કરીને પેટાકાયદાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. આમાં જાહેરમાં શૌચાલય, જાહેરમાં થૂંકવાથી માંડીને ન્યુસન્સ ફેલાવવતા તત્વો સામે દંડની રકમ વધારીને સજા કરવાની જોગવાઇ કોર્ટને આપવામાં આવી હતી. આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલાઇ ગઇ હતી અને જનરલ બોર્ડમાં રજુ થવાની હતી એ પહેલા શાસક બોડી વિખેરાઇ ગઇ હતી. ત્યારબાદ આ દળદાળ ગ્રંથ જેવી આખી ફાઇલ ગુમ કરી દેવાઇ છે. હવે પરિસ્થિતિ એ છે કે, સાત વર્ષ પછી ફાઇલ ક્યાં છે ? તે કોઇને ખબર જ નથી !
હાલમાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે મહાનગરપાલિકા દ્વારા દંડની જે કાર્યવાહી કરવામાં આવે છે. તે રૂ. 250થી 10 હજાર સુધી વહિવટીચાર્જરૂપે લેવાય છે. આમાં કોઇ વ્યક્તિ વિરોધ કરે તો કોઇ કાર્યવાહી થઇ શકતી નથી. પણ આ પેટાકાયદા મુજબ જો કોઇ વ્યક્તિ દંડ ભરવા તૈયાર ન થાય તો તેની સામે સીધી કોર્ટ કાર્યવાહી કરી શકાય છે.અને, ન્યાયાધિશ દ્વારા બાયલોઝ મુજબ દંડ કે તેની સત્તા મુજબ દંડ કરી શકે છે.
ટાઉન પ્લાનિંગના કાયદાની જેમ સોલિડ વેસ્ટ વિભાગના પેટાકાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરવાનો હોય છે.સ્ટેન્ડિંગ કમિટી તેનો અભ્યાસ કરીને લિગલ કમિટીમાં રજુ કરવામાં આવે અને આ કમિટી ડ્રાફ્ટ મંજૂર કરે પછી જનરલબોર્ડમાં રજુ કરવામાં આવે છે. જનરલબોર્ડમાં ડ્રાફ્ટ મંજૂર થાય ત્યારબાદ નાગરિકોને વાંધા સુચનો રજુ કરવા એક મહિનોનો સમય આપવામાં આવે છે. વાંધા સુચનો મુજબ સુધારા વધારા બાદ આ પછી રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગને મોકલવામાં આવે છે. અને શહેરી વિકાસ વિભાગ મંજૂરી આપે ત્યારબાદ પેટાકાયદાનો અમલ થઇ શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી હતી.આ દરમિયાન જ શાસકપક્ષની બોડી વિખેરાઇ ગઇ હતી. અને આ દળદાળ ગ્રંથ જેવા પેટાકાયદાની ફાઇલ ત્યારબાદ ગુમ કરી દેવાઇ છે. હવે પરિસ્થિતિ એવી છે કે આ ફાઇલ ક્યાં છે અને કોનીપાસે છે? તે કોઇને ખબર જ નથી.!

સ્વચ્છતા સર્વેક્ષણમાં નાકરાવાડી દર વર્ષે નાક કાપે છે..!
મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં ભીનો અને સુકો કચરો અલગથી એકત્ર કરવાની સાથે ડમ્પીંગ યાર્ડમાં પણ વૈજ્ઞાનિકઢબે ભીનો અને સુક્કો કચરો અલગથી જ પ્રોસેસ કરીને નિકાલ કરવો. નાકરાવાડીમાંથી કચરાને કારણે ફેલાતા પ્રદુષણને કારણે સ્વચ્છતા સર્વેક્ષણમાં દરવર્ષે રાજકોટનું નાક કપાય છે. કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થતો નથી. આ કારણે ગયા વર્ષે નાકરાવાડીના કચરાના ઢગલાના કારણે સર્વેક્ષણમાં 400 માર્ક કપાયા હતા. સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ દરવર્ષે પાછળ ધકેલાતું જાય છે તેનુ એક મુખ્ય અને મોટું કારણ નાકરાવાડી પણ છે. હાલમાં નાકરાવાડીમાં કચરાના ગગનચુંબી ઢગલાં ખડકાયેલા છે. રાજકોટને સ્વચ્છતા સર્વેક્ષણમાં અવ્વલ નંબરે લાવવા માટે ટીમ કમિશનર સામે નાકરાવાડીનું પ્રદુષણ મોટો પડકાર અને માથાનો દુખાવો પણ છે.

ઇંદોર પાસેથી સ્વચ્છતાના પાઠ શીખવાની જરૂર ! : આ રહ્યો તફાવત
રાજકોટ દરવર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ જ ધકેલાતું જાય છે. જ્યારે ઇંદોર દરવર્ષે પ્રથમ ક્રમે રહે છે. બન્ને શહેરોની સ્વચ્છતાની કામગીરીમાં જમીન આસમાનનો ફેર છે. રાજકોટે ઈંદોર પાસેથી હવે સ્વચ્છતાના પાઠ શીખવાની જરૂર છે.
:- ઇંદોરની વાત કરીએ તો રાત્રિ સફાઇ – તમામ માર્ગો પર થાય છે. સવારે શહેર ચોખ્ખું હોય છે જ્યારે રાજકોટમાં માત્ર અમુક રોડ પર જ થાય છે.
:- ઇંદોરમાં 6000 સફાઇ કામદારો છે. ખાનગી રીતે વોચ ગોઠવી ડાંડાઇ કરતા કામદારોની હકાલપટ્ટી કરી નવી ભરતી કરવામાં આવે છે રાજકોટમાં ડાંડાઇ કરતા કર્મચારીઓ યુનિયન અને રાજકીય ઓથના જોરે બચી જાય છે !
:- ઇંદોરમાં ફૂટપાથ પરની ધુળ/કચરો – રસ્તા પરથી જીણી રજ ઉપાડવા સ્વીપર મશીનની સાથે ફૂટપાથ પણ ચોખ્ખી ચણાક રાખવા સ્પ્રે મશીનનો ઉપયોગ થાય છે. જ્યારે રાજકોટમાં માત્ર રોડ જ સાફ થાય છે, ફૂટપાથ પર રજ પડી રહે છે.
:- ઇંદોર ડસ્ટબીન લેસ શહેર છે. આખા શહેરમાંથી મોટી કચરાપેટી હટાવી લેવાઇ છે. રાજકોટમાં માત્ર સોસાયટી વિસ્તારમાંથી જ દૂર થઇ, બજાર અને શાકમાર્કેટ વિસ્તારમાં હજુ રાખવામા આવી છે.
:- ઇન્દોર જ્યારે 149માં ક્રમે હતુ ત્યાંરે સર્વે કરાયો, ડોર ટુ ડોર 600 થી 700 ટન કચરો એકત્ર થતો હોવા ઉપરાંત રોડ પર 200 ટન કચરો પડ્યો રહેતો હોવાનું સામે આવતા કોન્ટ્રાક્ટરને કચરો એકત્ર કરવાનો ટાર્ગેટ અપાયો.તો રાજકોટમાં રોડ, ખુલ્લા પ્લોટની ગંદકી દિવસો સુધી ઉપડતી નથી.
:- ઇંદોરમાં 400થી વધુ એનજીઓ અને સંગઠનોની મદદ લેવાય છે. સિટીઝનનો ડેટાબેઝ તૈયાર કરી વોટસએપ, એસ.એમ.એસ.થી સતત જાગૃત રખાય છે. રાજકોટમાં આવી કોઇ વ્યવસ્થા નહીં
:- ઇંદોરમાં ફિલ્ડવર્ક કરનાર અધિકારીઓને વાયરલેસ અપાયા છે. ગંદકીની ફરિયાદ મળે એટલે તાત્કાલિક વાયરલેસ પર સંદેશો મોકલી તાકીદે સફાઇની વ્યવસ્થા ગોઠવાઇ છે. રાજકોટમાં આવી વ્યવસ્થાના નામે મિંડુ છે.
:- ઇંદોરમાં સેનિટેશનના સ્ટાફ ઉપરાંત ફૂડ ઇન્સ્પેક્ટર, એસ્ટેટ ઇન્સ્પેક્ટર સહિતના વિભાગના સ્ટાફને પણ સફાઇ વ્યવસ્થાના મોનિટરિંગની કાયમી જવાબદારી સોંપાઇ છે તો રાજકોટમાં માત્ર સેનીટેશન સ્ટાફની પાંગળી વ્યવસ્થાથી ગાડું ગબડાવાય રહ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર