રવિવાર, માર્ચ 9, 2025

ઈ-પેપર

રવિવાર, માર્ચ 9, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમનપાના 270 કરોડના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને તાળાં : રિટેન્ડર કરાશે

મનપાના 270 કરોડના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને તાળાં : રિટેન્ડર કરાશે

પ્લાન્ટ બંધ થતાં હાલમાં નાકરાવાડીમાં છ લાખ ટન કચરાના ઢગલા: ડમ્પિંગ સાઇટથી ફેલાતા પ્રદુષણના કારણેે મહાનગરપાલિકાને રૂ.22 કરોડનો દંડ ભરવો પડે તેમ હોવા છતાં કંપનીને નોટિસ ન આપવા, પેનલ્ટી ન કરવા કે બ્લેકલિસ્ટ ન કરવા રાજકિય આકાઓનું ફરમાન…!

(આઝાદ સંદેશ),રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા 2019માં નાકરાવાડી સ્થિત ડમ્પિંગ સાઇટમાંથી કચરાનો નિકાલ કરીને વીજળી ઉત્પાદન કરવા માટે મહાનગર પાલિકાએ એબેલોન કંપની સાથે પીપીપી યોજના હેઠળ કરાર કરીને રૂ. 270 કરોડની વેસ્ટ ટુ એનર્જી યોજના શરૂ કરી હતી. પણ આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કામગીરી એબેલોન કંપનીએ બંધ કરીને પ્લાન્ટને તાળાં મારી દીધા છે. એક તરફ નાકરાવાડી ડમ્પિંગ સાઇટમાં કચરાને કારણે ફેલાતા પ્રદુષણ સામે મહાનગરપાલિકાને રૂ.22 કરોડનો દંડ ફટકારાયો છે ત્યારે બીજી બાજું એબેલોન કંપનીએ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને તાળાં મારી દેતાં મહાનગરપાલિકાની હાલત કફોડી બની ગઇ છે. આ પ્લાન્ટ બંધ થતાં હાલમાં નાકરાવાડીમાં છ લાખ ટન કચરાના ઢગલાં પડ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે 2019માં આ પ્લાન્ટ બનવાનો હતો ત્યારે સિંગાપોર જેવો પ્લાન્ટ બનાવવાના દિવાસ્વપ્ન કંપનીએ દેખાડ્યા હતા અને તત્કાલિન કમિશનર ઉપરાંત ડે. કમિશનર ચેતન નંદાણી, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, અંબેશ દવે, તત્કાલિન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પુષ્કર પટેલ વગેરે સિંગાપોરની ચાર દિવસની સહેલગાહે પણ જઇ આવ્યા હતા અને કમિટીની રચના પણ કરવામાં આવી હતી. જો કે કાયમ આરંભે શુરા બનતી મહાનગરપાલિકા દોઢ વર્ષની સમય મર્યાદામાં કંપની પાસે પ્લાન્ટનું કામ પુરૂ કરાવી શકી નથી. અને, હવે આ પ્લાન્ટને તાળા લાગી ગયા છે !
2019માં જ્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનીધી પાની હતા એ સમયે આખા શહેરનો કચરો જ્યાં ઠલવાય છે તે નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ખાતે કચરામાંથી વીજળી ઉત્પન કરવા પીપીપી યોજના એબેલોન કંપની સાથે રૂ.270 કરોડનો કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર મુજબ મહાનગરપાલિકા જમીન, પાણી અને કચરો આપે તેની સામે એબેલોન કંપની કચરામાંથી વીજળી ઉત્પાદન કરીને કમાણી કરે તેવો ઉદ્દેશ હતો. માત્ર રાજકોટ જ નહીં પણ, અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ, જામનગર જેવી મહાનગરપાલિકા વિસ્તારમાં પણ એબેલોન કંપનીએ જ આ કોન્ટ્રાક્ટ લીધો હતો. આમાંથી એકમાત્ર જામનગરમાંકંપની નિયત સમય મર્યાદામાં કામ કરી શકી છે જ્યારે રાજકોટ સહિત અન્ય તમામ મહાનગરપાલિકાઓમાં કંપની કરાર મુજબનું કામ વર્ષો પછી પણ પુરા કરી શકી નથી.
સામાન્ય સંજોગોમાં જો કોઇ કંપની નિયત સમય મર્યાદામાં કામ પુરૂ ન કરે તો કરારના ભંગ બદલ તેને નોટિસ આપીનેે પેનલ્ટી કરવામાં આવતી હોય છે. અને કંપનીને બ્લેક લિસ્ટ પણ કરાતી હોય છે. પણ, રાજકિય આકાઓની ઓથ ધરાવતી આ કંપનીને ન તો મહાનગરપાલિકા નોટિસ આપી શકે છે ન તો પેનલ્ટી કરી શકે છે કે ન તો કંપનીને બ્લેકલિસ્ટ કરી શકે છે. ! ત્યારે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મહાનગરપાલિકા માટે ગળાનું હાડકું બની ગયો છે. કંપની સાથે થયેલા કરાર મુજબ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અંતર્ગત રાજકોટમાંથી નીકળતા અંદાજે 600 ટન કચરામાંથી દરરોજ 1000 ટન ઘન કચરાનો નિકાલ કંપનીએે કરવાનો હતો. અને,કચરાના નિકાલ સાથે વીજળી ઉત્પન્ન કરવાની હતી. રાજકોટના ઉકરડાઓમાંથી ઉજાશ પાથરવા મહાનગરપાલિકા દ્વારા 15 એકર જેટલી જગ્યામાં 270 કરોડના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવાનો હતો. અને રોજ દર કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાના સ્વપ્ન દિવાસ્વપ્ન બની ગયા છે.
પ્લાન્ટની સાથે 14 હજાર વૃક્ષોનું વાવેતર ઉપરાંત 6700 ચોરસમીટર જગ્યા રમત ગમત માટે રખાઈ હતી. જેમાં ફૂટબોલ, વોલીબોલ, ક્રિકેટ, ખો ખો વગેરે રમત રમી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત આ પ્લાન્ટની મુલાકાતે આવનાર લોકો માટે 700 સ્ક્વેર મીટરમાં કાફે પોઇન્ટ પણ બનાવવાનું આયોજન હતું.. છખઈ દ્વારા અદ્યતન બની રહેલા પ્લાન્ટની જાણકારી, પર્યાવરણ અને સ્વચ્છતાની જાગૃતિ માટે માહિતી અને મુલાકાત માટે આયોજન કરાશે. આ પ્લાન્ટ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (ઈંૠઇઈ) પ્લેટિનિયમ કેડરના રેટિંગથી પ્રમાણિત કરવામાં આવ્યું હતું.

એક તરફ રાજકિય આકાઓનું દબાણ બીજી તરફ મનપા નવા ટેન્ડરની ફિરાકમાં!
વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સમયસર પુરો નહી કરી શકનાર કંપની સામે રાજકિય આકાઓના દબાણના કારણે મહાનગરપાલિકા કંપનીને નોટિસ આપી શકતી નથી, પેનલ્ટી કરી શકતી નથી અને બ્લેકલિસ્ટ પણ કરી શકતી નથી આવા સંજોગોમાં હવે કંપનીને તા.31 માર્ચ સુધીની આખરી મુદત અપાઇ છે. આ મુદત દરમિયાન કંપની કામ પુરૂ ન કરે તો મહાનગરપાલિકા બાકી રહેલા કામ માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરે તેવી શક્યતા પણ હોવાનું મહાનગર પાલિકાના જ સુત્રોએ કહ્યું હતું.

કંપનીનો આક્ષેપ : સરકાર સમયસર લોન આપતી નહોય કામ થતું નથી
કંપની દ્વારા સરકાર પર એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સરકાર દ્વારા સમયસર લોન મળતી નહોય આ પ્રોજેક્ટ સમયસર પુરો થઇ શક્યો નથી અને લોનના અભાવે રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓમાં પણ કામ બંધ કરવું પડ્યું છે. રાજકોટમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું 80 ટકા કામ પુરૂ થઇ ગયું છે. અને હાથી પૂંછડે આવીને અટક્યો હોય તેમ 20 ટકા કામ જ લોનના અભાવે બંધ થયું છે. આવા સંજોગોમાં હવે એબેલોન કંપનીને પ્રોજેક્ટ પુરો કરવા 31 માર્ચ 2025ની આખરી મુદત આપવામાં આવી છે .

સંબંધિત સમાચાર

તાજા સમાચાર