મંગળવાર, નવેમ્બર 12, 2024

ઈ-પેપર

મંગળવાર, નવેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં નિવૃત્ત બેંક મેનેજરને કંબોડીયા ગેંગે ડીજીટલ એરેસ્ટના શિકાર બનાવી રૂ.56 લાખ...

રાજકોટમાં નિવૃત્ત બેંક મેનેજરને કંબોડીયા ગેંગે ડીજીટલ એરેસ્ટના શિકાર બનાવી રૂ.56 લાખ પડાવી લીધા

સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી અમદાવાદ, સુરત સહિતનાં જિલ્લાઓમાં રહેતા 6 જેટલા ખાતા ધારકોની પ્રાથમિક પુછપરછ હાથ ધરી હોવાની માહિતી : જૂનાગઢના શખસોને અટકમાં લઇ આગળની તપાસ હાથ ધરાઇ

(આઝાદ સંદેશ),રાજકોટ: દેશભરમાં ડીજીટલ એરેસ્ટ કરનારા ઓનલાઇન લૂંટારૂઓ બેકાબુ બન્યા છે. ત્યારે રાજકોટમાં રહેતા અને સુરતમાં બેંકમાં ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારીને અજાણ્યા નંબરમાંથી હિન્દી ભાષી શખસોએ ફોન કરી તમારા બેંક ખાતામાં 2.5 કરોડ છે અને તમે મની લોન્ડરીંગનો ઉપયોગ કર્યો છે અને તમારું એરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે. નરેશ ગોયેલ નામના શખસે 247 લોકો સાથે છેતરપિંડી કરી હોય જે કેસમાં તમારી સંડોવણી ખુલી છે. તેમ કહી 15 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી દર બે કલાકે ફોન કરી વોટસએપમાં ફોટા મોકલવાનું કહી સવાર, બપોર અને સાંજ સુધી બેસાડી રાખી તેની પાસેથી ઓનલાઇન 56 લાખ પડાવી લીધાની ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં મળેલી માહિતી અનુસાર સમગ્ર કાવત્રા પાછળ કંબોડિયા ગેંગનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત સાઇબર ક્રાઇમ પોલીસે અમદાવાદ, સુરત સહિતના જિલ્લાઓમાં જે ખાતાધારકોના એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવ્યા છે તેઓને બોલાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે તેમજ જૂનાગઢના શખસોને પણ અટકમાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં ઢેબર રોડ નજીક હસનવાડીમાં રહેતા અને અગાઉ સુરતમાં પંજાબ બેંકમાં નોકરી કરતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા મહેન્દ્રભાઇ અંદરજીભાઇ મહેતાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે ચાર અજાણ્યા શખસના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું કે, તા.11-7ના રોજ મારી પત્ની સાથે હોસ્પિટલમાં હતા ત્યારે કોઇ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. જે હિન્દીમાં વાત કરતા હોય અને તેને મને કહેલ કે, હું પોલીસ ઇન્સપેક્ટર બોલું છું અને તમારા વિરૂદ્ધ મુંબઇ તિલકનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. વધુ માહિતી માટે અમારા વિનાયક સરનો મોબાઇલ નંબર પર કોલ કરી માહિતી લેવા જણાવ્યું હતું. બાદમાં આવેલા ફોનમાં કોલ લાગતો ન હોય ત્યારબાદ અન્ય નંબરમાંથી વોટસએપ કોલ આવ્યો હતો. જેમાં તે પણ હિન્દીમાં વાત કરતો હોય અને તમારું આધારકાર્ડ પર કેનેરા બેંકમાં એકાઉન્ટ ખુલેલ છે. જેમાં એકાઉન્ટ બેલેન્સ 2.5 કરોડ છે અને તમારું આ બેંક એકાઉન્ટ મોટા ફ્રોડમાં વપરાયેલ છે તેમજ મની લોન્ડરીંગમાં ઉપયોગ થયેલ છે. તમારું એરેસ્ટ વોરંટ કાઢવામાં આવેલ છે અને નરેશ ગોેેયેલ નામના વ્યક્તિએ 247 લોકો સાથે ફ્રોડ કરેલ છે. તેમાં તમે પણ સંડોવાયા છો તેમ કહ્યું હતું. ત્યારબાદ અજાણી વ્યક્તિ દર બે કલાકે વોટસએપ કોલ કરી રીપોર્ટ કરવાનું કહેતો હતો અને મારો સવાર, બપોર અને સાંજ ફોટા પાડી તેના વોટસએપમાં મોકલવાનું કહેતો જેથી હું તેને ફોટા પાડી મોકલતો હતો. ત્યારબાદ વધુ એક નંબરમાંથી વોટસએપ કોલ આવ્યો હતો અને સેબીનો એન્ટીમની લોન્ડરીંગ બાબતનો લેટર તથા ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ તેમજ આરબીઆઇ અને કેનેરા બેંકનું મારા નામવાળુ એટીએમ કાર્ડ તેમજ કેનેરા બેંકનું મારા નામવાળુ સ્ટેટમેન્ટ વગેરે મારા નામવાળા ડોક્યુમેન્ટ મને વોટસએપ મારફતે મોકલ્યા હતા. દરમિયાન મારી માલિકીની તમામ મિલકત તથા મારા તમામ બેંક એકાઉન્ટમાં પડેલ નાણા તેમજ મે કરેલ મ્યુચ્યુઅલ ફંડના રોકાણ બાબતેની માહિતી તથા સ્ટોક માર્કેટમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટ બાબતેની તમામ માહિતી મારી પાસે માગતા હતા જેથી તે આપતા હતા. ત્યારબાદ વધુ એક નંબરમાંથી ફોન આવ્યો હતો અને તમારી મની લોન્ડરીંગમાં સંડોવણી છે કે નહીં જે બાબતે ક્રોસ વેરીફીકેશન માટે નાણા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જેથી 56 લાખ તેને મોકલેલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં 6 દિવસ બાદ જવાબ નહીં મળતા તેને ફોન કર્યા હતા પરંતુ કોઇ કોન્ટેક્ટ થતો ન હોય જેથી તેના પૌત્રને વાત કરી હતી અને તેની સાથે ફ્રોડ થયાનું જણાવતા ઓનલાઇન ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકના જમાદાર દીપક પંડિતે ગુનો નોંધતા પીએસઆઇ જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર