મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઉપલાકાંઠા વિસ્તારમાં બેસતા વર્ષની સાંજે ચાર નશાખોરોનો યુવક પર છરીથી હુમલો :...

ઉપલાકાંઠા વિસ્તારમાં બેસતા વર્ષની સાંજે ચાર નશાખોરોનો યુવક પર છરીથી હુમલો : શોધખોળ હાથ ધરાઈ

લાખાજીરાજ ઉદ્યોગનગરમાં બહેને કરેલી ફરિયાદના ખારમાં યુવકના મકાન પર પથ્થર-બોટલના ઘા કરાયા

(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટમાં ઉપલાકાંઠા વિસ્તારમાં બેસતા વર્ષની સાંજે ચાર નશાખોરોએ યુવક પર છરીથી હુમલો કર્યો હતો. ઓટલા પર બેસવાના મુદ્દે માથાકૂટ કરી યુવકને છરીના ઘા ઝીંક્યા હતા.
મળતી માહિતી મુજબ, દૂધસાગર રોડ પરના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં રહેતા ગુલામહુસેન ઉર્ફે અયાન આહમદભાઇ જુણેજાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાબાજ ઉર્ફે જરી સલીમ હિંગરોજા, આતિફ ઉર્ફે ત્રણસો બે અને બે અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. ગુલામહુસેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.2ની સાંજે પોતે તથા તેનો મિત્ર ઉમેદ ગફારભાઈ સંધી દૂધસાગર રોડ પર એચ.જે.સ્ટીલની સામે ગેસના ગોડાઉન પાસે ઓટલા પર બેઠા હતા ત્યારે સાબાજ ઉર્ફે જરી અને આતિફ ઉર્ફે ત્રણસો બે ત્યાં ધસી ગયા હતા અને અહીંયા કેમ બેઠા છો તેમ કહી ગુલામહુસેન અને ઉમેદને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. અન્ય બે મિત્ર ધસી આવ્યા હતા અને ચારેય નશાખોર હાલતમાં હતા અને માર મારવા
લાગ્યા હતા.
હુમલાથી ગભરાઇને ગુલામહુસેન અને તેનો મિત્ર ઉમેદ ત્યાંથી નીકળી સિદ્દીકી મસ્જિદ સામે ચાની લારીએ જતા રહ્યા હતા. થોડીવાર બાદ સાબાજ અને આતિફ ત્યાં પહોંચ્યા હતા અને ગુલામહુસેનને છરીના ઘા ઝીંકવા લાગ્યા હતા. ઉમેદ મોકો મળતાં જ ત્યાંથી નાસી ગયો હતો. હુમલામાં ઘવાયેલો ગુલામહુસેન લોહિયાળ હાલતમાં તરફડિયા મારતો હતો ત્યારે પોલીસ આવી પહોંચતા હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા ગુલામહુસેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
બીજા બનાવમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા ધર્મેશ ઉર્ફે લાલો ગુલાબભાઇ પરિયા (ઉ.વ.36)એ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોવિંદ ઉર્ફે ગોપાલ રમેશ બાવરિયા, મનીષ નારોલા, કૈલો રમેશ મોરી અને વીકી બચુ તથા બે અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. ધર્મેશ પરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દિવાળીની રાત્રે અગિયારેક વાગ્યે પોતે પોતાના ઘર પાસે શેરીમાં હતો ત્યારે ઘર નજીક ગોપાલ સહિત છ આરોપીઓ એકઠા થયા હતા.
ગોવિંદની મોટી બહેન શિલા મુકેશભાઈ ડોડિયાએ છ વર્ષ પહેલાં ગોવિંદ ઉર્ફે ગોપાલ સામે મારામારી અંગેની પોલીસ ફરિયાદ કરી હતી અને કોર્ટમાં કેસ ચાલવા પર આવતા ધર્મેશ કોર્ટની મુદતે તેની બહેને શિલા સાથે કોર્ટે જતો હોય ગોવિંદ ઉર્ફે ગોપાલ તેની સાથે રાગદ્વેષ રાખતો હતો. ગોવિંદ સહિતનાઓ ધમાલ મચાવશે તેવું લાગતાં ધર્મેશ ઘરમાં જતો રહ્યો હતો તે સાથે જ ગોવિંદ સહિતના આરોપીઓએ ધર્મેશના ઘર પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને સોડા બોટલના ઘા કર્યા હતા. બહાર નીકળ આજે તો તને મારી નાખવો છે તેવી ધમકી આપતા હતા. સોડા બોટલના ઘામાં ધર્મેશની માતાને ઈજા થઇ હતી. ધર્મેશે જાણ કરતાં પોલીસની ટીમ પહોંચતા આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે ધર્મેશ પરિયાની ફરિયાદ પરથી ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર