નાનામવાના દેવનગરમાંથી તસ્કરોએ રૂ.1.13 લાખની મત્તાનો હાથફેરો કર્યો
(આઝાદ સંદેશ),રાજકોટ: દિવાળીના તહેવાર દરમિયાન તસ્કરો બેકાબુ બન્યા હોય તેમ કાલાવડ રોડ પર ગુ.હા.બોર્ડના આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા પરિવારના બંધ મકાનમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા.1.20 લાખની ચોરી કરી તસ્કરો અન્ય તાળુ મારી ગયાનું બહાર આવતા તાલુકા પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી લેવા મથામણ કરી છે. જ્યારે નાનામવાના દેવનગરમાં પણ તસ્કરોએ કરતબ બતાવી રહેણાંક મકાનમાંથી રૂ.1.13 લાખની મત્તા ચોરી ગયા હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસના ચોપડે નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ આવાસના ક્વાર્ટરમાં રહેતા મનસુખભાઇ બચુભાઇ ચુડાસમા તેના પરિવાર સાથે દિવાળીના તહેવાર દરમિયાન તેના વતન માંગરોળના મેણજ ગામે ગયા હતા. ત્યારબાદ ગત તા.6ના રોજ ઘેર આવતા તેના મકાનમાં તેને મારેલા તાળાને બદલે અન્ય તાળુ હોય તેનું તાડુ તોડયાની શંકા ગયેલ પાડોશી હિરેનભાઇને બોલાવી તોડાવી તપાસ કરતા મકાનમાં સામાન વેરવિખેર હાલતમાં હોય અને કબાટના તાળા પણ તુટેલા હતા અને કબાટમાંથી રૂા.6 હજારની રોકડ અને સોના ચાંદીના દાગીના ગાયબ હોય કોઇ શખસો ચોરી કરી ગયાની ફરિયાદ કરતા પીએસઆઇએ ગુનો નોંધી તસ્કરોને પકડી લેવા મથામણ કરી છે.
બીજા બનાવમાં નાનામવા મેઇન રોડ ઉપર આવેલ દેવનગરની શેરી નં-6માં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા રાહુલ દાફડા (ઉ.વ.26)એ અજાણ્યા તસ્કરો સામે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતુ કે, ગત તા.7-11થી તા.8-11 સુધી તેઓ રાજસ્થાન ખાતે ફરવા ગયા હોય ત્યારે તેઓના રહેણાંક મકાનનાં તાળાં તોડી અજાણ્યા શખસોએ મકાનની અંદર પ્રવેશ કરી તેમાં રહેલી તિજોરીમાંથી રૂ.15,000ની કિંમતની સોનાની વીંટી તેમજ 19,000ની કિંમતનો ચાંદીનો કંદોરો તથા રૂ.24,000ની કિંમતના સોનાના પાટલા અને વીંટી તેમજ રૂ.15,000ની કિંમતની ઝાંઝરી અને રોકડ રૂ.40,000 મળી કુલ રૂ.1.13 લાખની મત્તા ચોરી કરી જતા ફરિયાદ નોંધાવી છે.
હાલ આ અંગે માલવિયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.એ. સિંધીને સોંપી છે.