દર વર્ષે 30 હજાર લોકોના હિટ એન્ડ રનની ઘટનામાં મોત છતાં જાગૃતિનો અભાવે સરકારી સહાયથી વંચિત : પ્રક્રિયાને ઓનલાઈન અને પોલીસ વિભાગ સાથે જોડવા સૂચનો
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દેશમાં હિટ એન્ડ રન અકસ્માતોમાં જીવ ગુમાવનાર કે ગંભીર રીતે ઘાયલ થનાર પીડિતોને મળવાપાત્ર સરકારી વળતર અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મ પ્રિમસ પાર્ટનર્સ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ મુજબ,સમગ્ર દેશમાં હિટ એન્ડ રનના ૭૫ ટકાથી વધુ પીડિતો અને તેમના પરિવારો વળતરના હકદાર હોવા છતાં આ આર્થિક સહાયથી વંચિત રહી જાય છે.આ પાછળનું મુખ્ય કારણ લોકોમાં જાગૃતિનો અભાવ અને જટિલ પ્રક્રિયા કારણભૂત હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મ પ્રિમસ પાર્ટનર્સ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટના આંકડા મુજબ, દેશમાં દર વર્ષે અંદાજિત ૭૦,૦૦૦ હિટ એન્ડ રનના બનાવો નોંધાય છે, જેમાં ૩૦,૦૦૦ થી વધુ લોકોના મોત થાય છે અને ૧૬,૦૦૦ લોકો ગંભીર રીતે ઘવાય છે. કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૨માં લાગુ કરાયેલી સંશોધિત યોજના અંતર્ગત મૃતકોના પરિવારને રૂ. ૨ લાખ અને ગંભીર ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપવાની જોગવાઈ છે.મોટર વાહન અધિનિયમ મુજબ દર વર્ષે અંદાજે ૬૦૦ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું જોઈએ. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં માત્ર ૩૦૦ કરોડ રૂપિયા જ વહેંચાયા છે. દર વર્ષે ૪૬,૦૦૦ થી વધુ મૃત્યુ અને ઈજાઓ સામે ૧૦,૦૦૦ થી ઓછા દાવા નોંધાય છે, જેમાંથી માંડ ૮,૦૦૦ અરજદારોને ખરેખર વળતર મળે છે. પરિણામે, સરકારની વાર્ષિક જવાબદારીનો માત્ર ૨૫ ટકા હિસ્સો જ પીડિતો સુધી પહોંચી રહ્યો છે.
વધુમાં વળતર ન મળવા પાછળનું મુખ્ય કારણ લોકોમાં જાગૃતિનો અભાવ છે. સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે ૮૦ ટકાથી વધુ લોકોને આ યોજના વિશે કોઈ જ માહિતી નહોતી. વળી, માહિતી ધરાવતા લોકોને અરજી પ્રક્રિયા અને ફોર્મ ક્યાંથી મેળવવા તે ખબર નહોતી. લાંબી વહીવટી અડચણો અને જટિલ શરતો પણ લોકોને નિરાશ કરે છે. રિપોર્ટમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરાયા છે. જેમાં અકસ્માતને હિટ એન્ડ રન જાહેર કરાય કે તરત જ જિલ્લા પોલીસ દ્વારા સ્વયં સંચાલિત રીતે વળતર પ્રક્રિયા શરૂ થવી જોઈએ. વધુમાં, ગ્રામીણ વિસ્તારો માટે કોમન સર્વિસ સેન્ટર્સની મદદથી સમગ્ર પ્રક્રિયાને ‘ઈ-ડીએઆર પ્લેટફોર્મ પર ડિજિટલ સ્વરૂપે લાવવાની ભલામણ પણ કરાઈ છે.


