જુલાઈના ૯.૭૮% ની સરખામણીએ જથ્થાબંધ ભાવાંકમાં સતત વધારો
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દેશમાં જથ્થાબંધ મોંઘવારી દર ઓગસ્ટ મહિનામાં સતત વધારા સાથે ૯.૯૨% પર પહોંચી ગયો છે, જે અગાઉ જુલાઈમાં ૯.૭૮% હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ખાદ્ય ચીજવસ્તુઓ, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનો તેમજ ઈંધણ અને વીજળીના ભાવમાં થયેલી તીવ્ર વૃદ્ધિ આ વધારા પાછળનું મુખ્ય કારણ છે.મહત્વનું છે કે, તહેવાર સમયે જ દેશમાં ખાંડ, ગોળ, તેલ સહિતના ભાવ વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ઓગસ્ટ મહિનામાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવાનો દર વધીને ૭.૦૫% થઈ ગયો છે, જે જુલાઈમાં ૬.૬૫% હતો. આ ઉપરાંત, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મોંઘવારી દર વધીને રેકોર્ડ ૮.૩૭% પર પહોંચ્યો છે. સૌથી મોટો ફટકો ઈંધણ અને વીજળી બાસ્કેટમાં પડ્યો છે, જ્યાં જથ્થાબંધ મોંઘવારી દર ૨૨.૯૩% દર્શાવવામાં આવ્યો છે, જે સતત ઊંચી ઊર્જા પડતર દર્શાવે છે. ખનીજ તેલ, બેઝિક મેટલ્સ અને કેમિકલ ઉત્પાદનોના ભાવ પણ વધ્યા છે.જેની પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હોવાનું સામે આવ્યું છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને ફર્ટિલાઈઝર મોંઘા થવાથી સ્થાનિક બજારમાં ચીજવસ્તુઓના ભાવ ભડકે બળ્યા છે. રિઝર્વ બેંક દ્વારા પણ ફુગાવાને ધ્યાનમાં રાખીને બેન્ચમાર્ક નીતિગત દર ૫.૨૫% પર યથાવત રાખવામાં આવ્યા છે.


