કનુભાઈ વાઘેલા (ઉ.વ.45)એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી
રાજકોટ : રાજકોટ તાલુકાના હડમતીયા (ગોલીડા) ગામમાં રહેતા અને મજુરીકામ કરતા કનુભાઈ ભાયાભાઈ વાઘેલાના ઘરે અનાજ ભરવાની કોઠીમાં છુપાવેલા કાપડના થેલામાંથી અજાણ્યો ચોર ઈસમ આશરે ૨૩ ગ્રામ સોનાના ઘરેણાં ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.
ગઈ તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પરિવારજનોએ ઘરની અંદર આવેલી અનાજની કોઠીમાં ગોદડા નીચે એક કાપડનો થેલો રાખ્યો હતો. આ થેલામાં સોનાની બુટ્ટીઓ, વીંટીઓ, સોનાનો ઓમ, કાનની કડીઓ, ચાંદીના જુડા તથા રૂ. ૨૨,૦૦૦ની રોકડ રકમ સુરક્ષિત મૂકવામાં આવી હતી. ત્યારબાદ તા. ૩ સપ્ટેમ્બરના રોજ શીતળા સાતમના તહેવાર નિમિત્તે પરિવારજનો કાલાવડ ખાતે આવેલા શીતળા માતાના મંદિરે બાધા પૂરી કરવા જવાના હોઈ, સવારે ચારેક વાગ્યે પરિવારના સભ્યોએ કોઠીમાંથી થેલો બહાર કાઢીને તપાસ કરી હતી. થેલો ખોલીને જોતાં તેમાંથી ૪ જોડી સોનાની બુટ્ટી (વજન ૧૬ ગ્રામ), ૨ સોનાની વીંટી (વજન ૬ ગ્રામ) અને ૧ સોનાનો ઓમ (વજન ૧ ગ્રામ) મળી કુલ ૨૩ ગ્રામ સોનાના દાગીના ગાયબ હતા. જ્યારે ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ થેલામાં એમ જ પડેલા મળી આવ્યા હતા.
ચોરી થયેલા સોનાના દાગીનાની વર્તમાન બજાર કિંમત અનુસાર આશરે રૂ. ૨,૭૫,૦૦૦ જેટલી મૂલ્ય ગણવામાં આવી છે. આસપાસના વિસ્તારમાં તેમજ ઘરમાં શોધખોળ કરવા છતાં દાગીના ન મળતાં આખરે આજીડેમ પોલીસ મથક ખાતે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મેહુલ ધનાભાઈ મુંધવા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


