ક્રાઈમ બ્રાંચના ડીસીપીની ખાસ સૂચનાને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ અને પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના બે પીએસઆઈ સહિતના કાફલાના ચેકીંગ દરમિયાનસદરબજાર ખાટકીવાસમાંથી ૯૫૦ કિલોથી વધુ ગેરકાયદે માંસ ઝડપાયું: રિક્ષામાંથી પણ માંસનો જથ્થો મળ્યો
રાજકોટ : પર્યુષણ પર્વ જેવા પવિત્ર દિવસો દરમિયાન રાજકોટ શહેર પોલીસ દ્વારા સદરબજાર ખાટકીવાસ વિસ્તારમાં દરોડો પાડીને જાહેરમાં પશુઓની કતલ કરી ગેરકાયદે માંસનું વેચાણ કરતા આઠ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન પોલીસે મહિલા સહિત સાત શખ્સોની સ્થળ પરથી ધરપકડ કરી હતી, જ્યારે એક મકાનમાલિક હાજર ન મળી આવતા આઠેય શખ્સો સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા આચરવા અને જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટ ક્રાઈમ બ્રાંચના ડીસીપીની ખાસ સૂચનાને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ અને પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના બે પીએસઆઈ સહિતના કાફલાએ સદરબજાર ખાટકીવાસ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જુદા-જુદા મકાનોના ફળિયામાં તથા શેરીમાં જાહેરમાં પશુઓની કતલ કરીને માંસનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ મકાનો તેમજ સી.એન.જી. રિક્ષામાં રાખેલા પ્લાસ્ટિકના કોથળામાંથી આશરે ૯૫૦ કિલો જેટલો માંસનો જથ્થો, પશુઓના કપાયેલા અંગો તથા ચામડાનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસે આ મામલે સદરબજાર ખાટકીવાસમાં રહેતા ઈકબાલ ઈસ્માઈલભાઈ તરકબાણ, ફીરોઝ ફકીરમહંમદભાઈ બેલીમ, સાજીદ મહંમદભાઈ બેલીમ, અહેમદ હુસેનભાઈ શેખ, કાસમ હુસેનભાઈ ચૌહાણ અને જરીનાબેન જમાલભાઈ ચૌહાણ તેમજ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા બનાન હારૂનભાઈ લીંગડીયાની અટકાયત કરી હતી. તદુપરાંત, દરોડા દરમિયાન હાજર ન મળી આવેલ મકાન માલિક રજાક આમદભાઈ ખાટકી સહિત તમામ આઠ આરોપીઓ સામે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.


