ગાંધીનગર સચિવાલયના અધિકારી ડી.કે. પટેલની ઓળખ આપી તોડ કરનાર રાજેશ ત્રિવેદીને રૂરલ એલસીબી અને ઉદ્યોગનગર પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો; ગઠિયો ટીવી ક્રાઈમ શો જોઈ ગુના આચરતો
રાજકોટ : જેતપુરમાં બાળ મજૂરીના કેસમાં કારખાનું સીલ કરવાની અને જેલમાં મોકલી દેવાની ધમકી આપી રૂ.10 હજારની રંગદારી વસૂલનાર નકલી સરકારી અધિકારીને રાજકોટ ગ્રામ્ય એલસીબી અને જેતપુર ઉદ્યોગનગર પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે.
બનાવની વિગત મુજબ, જેતપુરના ભાદરના સામાકાઠે ‘શિવ ફિનિશિંગ’ ધરાવતા કારખાનેદાર મીત ભુવા સામે શ્રમ વિભાગે 8 બાળ મજૂરો સંદર્ભે ગુનો નોંધ્યો હતો. દરમિયાન, ૨૬ મેના રોજ અજાણ્યા નંબરેથી ફોન કરી સામને છેડેથી ગાંધીનગર સચિવાલયના શ્રમ ઓફિસર ડી.કે. પટેલ તરીકેની ઓળખ આપવામાં આવી હતી. ગઠિયાએ 90 દિવસ માટે કારખાનું બંધ કરવાનો ક્લોઝર રિપોર્ટ હળવો બનાવવાની લાલચ આપી રૂ.40 હજારની માંગણી કરી હતી. તેણે ૨૦-૨૦ કલાક કામ કરાવાતાં બાળકના મૃત્યુ થવાનો અને આખી જિંદગી જેલમાં જવાનો ડર બતાવી વોટ્સએપ પર દબાણ કર્યું હતું. ૨૮ મેના રોજ કારખાનેદાર પાસેથી રોકડા રૂ.10 હજાર મેળવ્યા બાદ નકલી અધિકારીએ ફોન બંધ કરી દીધો હતો. છેતરાયાની ખાતરી થતાં ઉદ્યોગનગર પોલીસ મથકે બીએનએસની કલમ 308(5) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.પી. રાવ અને ઉદ્યોગનગર પીઆઇ એસ.એચ. શર્માની ટીમે તપાસ હાથ ધરી અમદાવાદના ઈસનપુર ખાતે રહેતા આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે ચકો નરેન્દ્રભાઈ ત્રિવેદી (ઉં.વ.50) ને ઝડપી લીધો હતો. આરોપી ટીવી ચેનલો પર ક્રાઈમ શો જોઈ પોલીસ સ્ટેશન અને ગુનાની વિગતો મેળવી જસ્ટડાયલ થી કચેરીઓના નંબર મેળવતો હતો. તે નકલી અધિકારી બની લોકોને ધાક-ધમકી આપવાની એમઓ ધરાવે છે. આ આરોપી અગાઉ નકલી ફૂડ સેફ્ટી ઓફિસર, નકલી પોલીસ, નકલી મામલતદાર, નકલી ઈન્કમટેક્સ ઓફિસર અને નકલી જેલર તરીકે પણ ગુનાઓ આચરી ચૂક્યો છે.


