સોમવાર, સપ્ટેમ્બર 14, 2026

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનિવૃત્ત રેલ્વે કર્મચારીને SBI હેલ્પ ડેસ્કના નામે કોલ કરી YONO એપમાંથી OTP મેળવી...

નિવૃત્ત રેલ્વે કર્મચારીને SBI હેલ્પ ડેસ્કના નામે કોલ કરી YONO એપમાંથી OTP મેળવી રૂ.3.58 લાખનું સાયબર ફ્રોડ

ગોંડલમાં રહેતા અતુલકુમાર બોસમિયા (ઉ.વ.67)ને ગઠિયાએ રૂ.7.10 લાખની પર્સનલ લોન મંજૂર કરાવી; અલગ-અલગ ટ્રાન્જેક્શન થકી રૂપિયા ઉપાડવાનું શરૂ કર્યું : પુત્રની જાગૃતિથી વધુ રકમ ઉપડતા બચી, ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી

​રાજકોટ : ગોંડલમાં નિવૃત્ત રેલ્વે કર્મચારી સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ગઠિયાએ બેંક કર્મચારીની ખોટી ઓળખ આપી યોનો એપના નામે એપીકે ફાઈલ મોકલી, એટીએમ કાર્ડના ડેટા અને ઓટીપી મેળવી લીધા હતા. ત્યારબાદ વૃદ્ધના ખાતામાંથી રૂ.7.10 લાખની પર્સનલ લોન મેળવી તેમાંથી રૂ.3.58 લાખ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ઉપાડી લીધા હતા. જોકે, પુત્રને બનાવની જાણ થતાં જ ખાતું બ્લોક કરાવી બાકીની રકમ બચાવી લેવાઈ હતી. હાલ ગોંડલ બી. ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

​ગોંડલના ઉમવાળા પાણીના સંપ નજીક આવેલી ગોકુલ વાટીકા સોસાયટીમાં રહેતા અને રેલ્વેમાંથી નિવૃત્ત થયેલા 67 વર્ષીય અતુલકુમાર જમનાદાસ બોસમિયા સાથે આ ઠગાઈનો બનાવ બન્યો છે. સવારે સાડા દસેક વાગ્યાના સુમારે તેમના પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે હિન્દી ભાષામાં વાત કરી પોતાની ઓળખ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ના હેલ્પ ડેસ્ક કર્મચારી તરીકે આપી હતી. તેણે વૃદ્ધને જણાવ્યું કે તમે બેંકની યોનો એપ વાપરતા નથી અને તમારા ખાતામાં પર્સનલ લોનની ખાસ ઓફર છે.

​ત્યારબાદ ગઠિયાએ વોટ્સએપ નંબર 8235411022 પરથી એસબીઆઈના લોગોવાળી એક શંકાસ્પદ એપીકે ફાઈલ મોકલી આપી હતી. બેંકનો લોગો જોઈને વિશ્વાસમાં આવી ગયેલા વૃદ્ધે તે ફાઈલ ડાઉનલોડ કરી એપ ઈન્સ્ટોલ કરી હતી. સાયબર ગઠિયાએ એપ ચાલુ કરાવવાના બહાને અતુલકુમાર પાસેથી તેમના એટીએમ કાર્ડના છેલ્લા છ આંકડા, પિન નંબર અને મોબાઈલમાં આવેલો ઓટીપી મેળવી લીધો હતો. ઓટીપી મળતાની સાથે જ ફોન કટ થઈ ગયો હતો.

​સાંજના સમયે રાજકોટ રહેતા તેમના નાના પુત્ર હેમાંગને બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન અંગે શંકા જતાં તેણે ગોંડલ રહેતા મોટા ભાઈ આનંદને પિતાનો ફોન ચેક કરવા કહ્યું હતું. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે અતુલકુમારના એસીબીઆઈએકાઉન્ટમાંથી તબક્કાવાર રૂ.3,58,050 અન્ય એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.

​મોટા પુત્રએ તુરંત એસબીઆઈના કસ્ટમર કેરમાં સંપર્ક કરતા જાણવા મળ્યું કે, ઠગે વૃદ્ધના નામે રૂ.7.10 લાખની પર્સનલ લોન મંજૂર કરાવી લીધી હતી અને તેમાંથી રૂ.3.58 લાખ ઉપાડી લીધા હતા. પરિવારજનોની સમયસૂચકતાને કારણે બાકીની રકમ સુરક્ષિત રહી હતી. આ અંગે વૃદ્ધે સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવ્યા બાદ ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ટેકનિકલ સોર્સિસના આધારે તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર