માલિયાસણના રામાભાઇ રાઠોડ (ઉ.વ.57) સાંજે ઝૂપડામાં ઢળી પડયા બાદ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં કુવાડવા રોડ પર માલિયાસણ બાયપાસ પાસે ઝૂપડામાં પરિવાર સાથે રહેતાં રામાભાઇ વીરાભાઇ રાઠોડ (ઉ.વ.57) સાંજે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટૂંકી સારવાર બાદ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનારા રામાભાઇ છુટક ફુલ વેંચવા સાથે મજૂરી કરતાં હતાં. તે ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં. સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. રામાભાઇને હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું.
બીજા બનાવમાં કોઠારિયા ચોકડી પાસે ચારણ સમાજની વાડી નજીક આવેલ ગ્રીનપાર્કમાં રહેતા ઉમિયાશંકરભાઇ મૂળુભાઇ મહેતા (ઉ.વ.59) નામના પ્રૌઢ પોતાના ઘરે કોઇ કારણોસર બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.