દેશી દારૂના વેચાણ સામે કડક પગલાં, ૧૩ આરોપીઓ ઝડપાયા
રાજકોટ શહેરમાં પોલીસે સતત બીજા દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી અંતર્ગત દેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલા મહિલાઓ સહિત કુલ ૧૩ લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. ભક્તિનગર, થોરાળા, પ્ર.નગર, માલવીયાનગર પોલીસ સ્ટેશન ઉપરાંત પીસીબી અને ક્રાઈમ બ્રાંચની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન લલુડી વોકળી, મયુરનગર, કોઠારીયા સોલવન્ટ, રેફ્યુઝી કોલોની, કિટીપરા રોડ, રેલ્વે સ્ટેશન સામે, રૂખડીયાપરા, અમરનગર, ગોંડલ રોડ અને સ્પીડવેલ ચોક પાસેથી ૨ લીટરથી લઈને ૧૮ લીટર સુધીનો દેશી દારૂનો જથ્થો જપ્ત કરીને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
દારૂના વેચાણ ઉપરાંત જાહેરમાં નશો કરીને ફરતા ૬ શખ્સોને પણ પોલીસે ઝડપી લીધા છે. જેમાં ભક્તિનગર પોલીસે દેવપરામાંથી એક, થોરાળા પોલીસે ગંજીવાડામાંથી એક તેમજ તાલુકા પોલીસે વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી ચાર શખ્સોની અટકાયત કરી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસની નજરે ચડેલા આ તમામ શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
વધુમાં, ટ્રાફિક નિયમોના ભંગ અને નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. પ્ર.નગર પોલીસે જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસેથી અને ગાંધીગ્રામ પોલીસે છોટુનગર પાસેથી દારૂ પીને વાહન ચલાવતા બે ચાલકોને પકડી પાડ્યા હતા. આ ઉપરાંત શહેરમાં ગેરકાયદેસર રીતે છરી સાથે ફરતા બે શખ્સોને પણ ઝડપી લઈ પોલીસે કુલ ૨૩ જેટલા કેસોમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


