ગુરુવાર, સપ્ટેમ્બર 10, 2026

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 10, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદઅમદાવાદમાં કીર્તિદાન ગઢવીના નવરાત્રી 'નોરતા નગરી' ગરબા મહોત્સવમાં ૮ થી ૧૦ કરોડનું...

અમદાવાદમાં કીર્તિદાન ગઢવીના નવરાત્રી ‘નોરતા નગરી’ ગરબા મહોત્સવમાં ૮ થી ૧૦ કરોડનું ટિકિટ કૌભાંડ

રાજકોટ : ​અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મ ખાતે આયોજિત “નોરતા નગરી” ગરબા ઉત્સવમાં કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ઇવેન્ટ આયોજક અને હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદાર અર્જુનભાઈ ગગુભાઈ ભૂતિયાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના જ બિઝનેસ પાર્ટનર્સ દર્શન શાહ, જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈએ એકસંપ થઈને મોટું છેતરપિંડીનું ષડયંત્ર રચ્યું હતું.

આરોપીઓએ અન્ય ભાગીદારોની અજાણતા અને મંજૂરી વિના ગરબા મહોત્સવની કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને બોગસ રીતે ઈશ્યુ ટિકિટોમાં ફેરવી નાખી હતી. ત્યારબાદ આ ટિકિટોનું ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમોથી ગેરકાયદેસર વેચાણ કરીને અંદાજે ૮ થી ૧૦ કરોડ રૂપિયાનો આર્થિક લાભ મેળવી મુળ આયોજકો સાથે ભારે વિશ્વાસઘાત આચર્યો હતો.

​આ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે વર્ષ ૨૦૨૫માં અમદાવાદ ખાતે નોરતા નગરી ઇવેન્ટના આયોજન માટે અર્જુનભાઈ ભૂતિયા, જીગર ચૌહાણ, કૃષ્ણ ગઢવી અને પાર્શ્વ જ્વેલર્સના માલિક દર્શન શાહે ભાગીદારી કરી હતી. દર્શન શાહની ભલામણથી તેમના મેનેજર જયેશ પરમારને પણ ભાગીદાર બનાવાયા હતા અને ૨૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ‘એએઆઈ ઇવેન્ટ’ નામની પેઢીનો નોટરાઇઝ કરાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં કામગીરીની વહેંચણી વખતે ટિકિટ વહેંચણી અને વેચાણની તમામ જવાબદારી જયેશ પરમારને સોંપવામાં આવી હતી.

નક્કી થયેલી શરતો મુજબ ટિકિટોનું વેચાણ ઝોમેટોની ડિસ્ટ્રિક્ટ એપ દ્વારા અને ઓફલાઈન કરવાનું હતું, જ્યારે સ્પોન્સર્સ અને પરિચિતો માટે દૈનિક ૪,૦૦૦ કોમ્પ્લિમેન્ટરી ટિકિટો અનામત રાખવામાં આવી હતી. વધારાની ટિકિટો વેચવા માટે તમામ ભાગીદારોની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હતી. ઇવેન્ટ શરૂ થવાના થોડા સમય પહેલાં દર્શન શાહે બલ્કમાં ટિકિટો વેચવા એજન્સી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ અન્ય ભાગીદારોએ કોઈ એગ્રીમેન્ટ કર્યું નહોતું. ગરબા મહોત્સવ દરમિયાન ગ્રાઉન્ડ પર બે અજાણ્યા શખ્સો રોકડથી ટિકિટો વેચતા પકડાયા હતા. તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ટિકિટ ટાવર કંપનીના ઉમંગ નામના શખ્સે દર્શન શાહના કહેવાથી તેમને વેચાણ માટે ટિકિટો આપી હતી. આયોજન ખોરવાય નહીં તે માટે તે સમયે કોઈ પગલાં લેવાયા નહોતા, પરંતુ ઇવેન્ટ પૂરી થયા બાદ ઝોમેટો પાસેથી વિગતો મંગાવવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું કે કુલ ૧,૫૫,૯૮૦ ટિકિટોમાંથી ૧,૦૪,૫૭૬ કોમ્પ્લિમેન્ટરી ટિકિટો દર્શન શાહ અને તેમના ભાણેજ રવિ શાહના કહેવાથી બારોબાર મેળવી લેવાઈ હતી. આરોપીઓએ આ કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને ગેરકાયદેસર રીતે વેચીને મેળવેલા ૮ થી ૧૦ કરોડ રૂપિયા પોતાના ખિસ્સામાં સરકાવી દીધા હતા. બનાવ અંગે સરખેજ પોલીસે બીએનએસની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર