અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી ભયાનક એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ મેઘાણીનગર સ્થિત બી.જે. મેડિકલ કોલેજના મેસ બિલ્ડિંગ પર તૂટી પડી હતી, જેમાં અંદાજે 260 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાએ માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. એક વર્ષ બાદ પણ તે દિવસની ભયાનક યાદો સિવિલ હોસ્પિટલ અને ફોરેન્સિક વિભાગના ડૉક્ટર્સના મનમાંથી ભૂંસાઈ નથી.
ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. ધર્મેશ પટેલે જણાવ્યું કે તેઓએ અગાઉ પણ અનેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓપરેશન સંભાળ્યા હતા, પરંતુ એકસાથે 260થી વધુ મૃતદેહો જોવાનો આ પ્રથમ અનુભવ હતો. નાના બાળકોના મૃતદેહો અને તેમના માતા-પિતાના આક્રંદ જોઈને તેમની આંખો પણ ભીની થઈ ગઈ હતી. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ મેચિંગ સહિતની જટિલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ટ્વીન બાળકોની ઓળખ કરવી ટીમ માટે સૌથી મોટો પડકાર સાબિત થઈ હતી.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે ઘટના સમયે તેઓ ઓપરેશન થિયેટરમાં હતા. વિમાન ક્રેશની જાણ થતાં જ હોસ્પિટલમાં માસ કેઝ્યુઅલ્ટી પ્રોટોકોલ અમલમાં મૂકાયો હતો. એક કલાકની અંદર જ ડઝનો ઘાયલો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે વિમાનમાંથી જીવતો બહાર આવેલો એકમાત્ર મુસાફર વિશ્વાસને જોઈને જ સ્થિતિની ગંભીરતાનો અંદાજ આવી ગયો હતો. આજે પણ તે ઘટના તેમના મનમાં તાજી છે.
ફોરેન્સિક વિભાગની રેસિડેન્ટ ડૉક્ટર રાધિકા ચાવડાએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન અનેક એવા મૃતદેહો આવ્યા હતા, જે સંપૂર્ણ રીતે બળી ગયા હતા. ઓળખ માટે શરીરના અલગ-અલગ ભાગોમાંથી હાડકાં, દાંત અને ટિશ્યૂના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમણે સૌથી ભાવુક ક્ષણ યાદ કરતાં કહ્યું કે એક પાંચ-છ વર્ષના બાળકનો મૃતદેહ તેમની સામે આવ્યો હતો. બાળકનો ચહેરો હજુ પણ તેમની આંખો સામે ફરી જાય છે અને તે દૃશ્ય તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.
બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટર પ્રેય દેસાઈએ જણાવ્યું કે સમગ્ર ટીમ બપોરથી મધરાત સુધી સતત કામ કરતી રહી હતી. કોઈએ આરામ કર્યો નહોતો અને બધા ભૂખ્યા રહ્યા હતા. આખરે રાત્રે 12:30 વાગ્યે તમામ ડૉક્ટર્સે સાથે બેસીને ખીચડી ખાધી હતી. તેમના મતે આ ઘટના જીવનભર યાદ રહે તેવી હતી, પરંતુ તેઓ ઈચ્છે છે કે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ફરી ક્યારેય ન બને.
રેસિડેન્ટ ડૉક્ટર માનવી ઘાઈએ જણાવ્યું કે સૌથી દુઃખદ ક્ષણ ત્યારે આવી જ્યારે નાની દીકરીઓના માતા-પિતા પોતાના સંતાનના સંપૂર્ણ મૃતદેહના બદલે માત્ર શરીરના ભાગો લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દૃશ્ય જોઈ સમગ્ર ટીમ હેબતાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે આ અનુભવ તેમના કરિયરનો સૌથી મોટો શીખવાનો પાઠ રહ્યો છે.
ડૉ. અમન સોમાણીએ જણાવ્યું કે દુર્ઘટનામાં મોટા ભાગના લોકોના માત્ર શરીરના અંગો જ મળ્યા હતા. આખી રાત મૃતદેહોની ઓળખ, ટેગિંગ અને ડીએનએ સેમ્પલિંગની કામગીરી ચાલી હતી. પરિવારજનોને તેમના સ્વજનોના અવશેષો યોગ્ય રીતે સોંપી શકાય તે માટે દરેક પગલે અત્યંત સાવચેતી રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે મેડિકલ વિદ્યાર્થીઓ અને યુવાનોના અધૂરા રહી ગયેલા સપનાઓ આજે પણ તેમને વ્યથિત કરે છે.
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં, તે ભયાનક રાતના દૃશ્યો, રડતા પરિવારજનોની ચીસો અને માસૂમ બાળકોના ચહેરા આજે પણ ડૉક્ટર્સના મનમાં જીવંત છે. આ ઘટના માત્ર એક અકસ્માત નહીં, પરંતુ અનેક પરિવારો માટે ક્યારેય ન ભરાઈ શકે એવો ઘા બની રહી છે.


