રાજકોટ : રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર મેટોડા જીઆઈડીસીમાંથી એક સમાચાર સામે આવ્યા છે. અહીં કાર્યરત બાલગોપાલ ફ્રાઈમ્સ નામના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે જોતજોતામાં સમગ્ર ગોડાઉનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આકાશમાં ધુમાડાના જોઈને આસપાસના કારખાનાના શ્રમિકો અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે સ્થાનિક ફાયર ફાઈટરની ટીમને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.
આ દુર્ઘટનાની જાણ થતાં જ મેટોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ગોડાઉન તેમજ આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી હાથ ધરી હતી, જેથી બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે. ફાયર બ્રિગેડની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને તરત જ ફાયર ફાઈટરોના જવાનો દ્વારા અંદાજીત દોઢેક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે જહેમત અને કલાકથી વધુ સમયની પાણીની વર્ષા બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.
આ આકસ્મિક આગની ઘટનાને પગલે બાલગોપાલ ફ્રાઈમ્સના ગોડાઉનની અંદર રાખેલો મોટાભાગનો કિંમતી માલસામાન અને અન્ય મશીનરી બળીને ખાખ થઈ ગયા છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ભીષણ આગના કારણે ગોડાઉન સંચાલકોને લાખો રૂપિયાનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગ કયા કારણે લાગી તે અંગે મેટોડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, ગોડાઉનમાં આ આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોઈ શકે છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.


