મિયાવાંકી પ્લાન્ટેશન હેઠળ દોઢ લાખ વૃક્ષો સહિત એક જ વર્ષમાં અંદાજે સાડાછ લાખ વૃક્ષોનુ વાવેતર : ગ્રીન કવરેજ એરિયામાં પાંચ ટકાનો વધારો: મહાનગરપાલિકા દ્વારા વૃક્ષોના જીઓ ટેગિંગ સહિતની ઘનિષ્ઠ કામગીરી: વન વિભાગ દ્વારા 2005 પછી વૃક્ષોની ગણતરી જ કરાઇ નથી..!
(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએ મિયાવાંકી પધ્ધતિ અનુસાર વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવતા શહેરી વિસ્તારમાં અને ખાસ કરીને મહાનગરપાલિકા વિસ્તારમાં વૃક્ષોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સામાન્ય રીતે વૃક્ષોની ગણતરી કરવાની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે.પણ, વન વિભાગે 2005 પછી વૃક્ષોની ગણતરી કરવાનું બંધ ર્ક્યુ હોય તેમ આંકડા જાહેર કરવામાં આવતા નથી. બીજી તરફ મહાનગરપાલિકાએે વૃક્ષોના જીઓ ટેગિંગ પધ્ધતી અમલમાં મુકીને ગણતરી શરૂ કરી છે. આ આંકડા મુજબ રાજકોટમાં છેલ્લા બે વર્ષમાં સાડાછ લાખ વૃક્ષોનું મિયાવાંકી પધ્ધતિ અનુસાર પ્લાન્ટેનશન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત આંકડા મુજબ રાજકોટમાં માત્ર મિયાવાંકી પ્લાન્ટેશન હેઠળના વૃક્ષોની સંખ્યા 12,48,060 ઉપર પહોંચી છે. આ કારણે શહેરના ગ્રિન કવરેજ એરિયામાં પાંચ ટકાનો વધારો થયો છે. મિયાવાંકી પ્લાન્ટેશન હેઠળ અગાઉ દોઢ લાખ સહિત એક જ વર્ષમાં અંદાજે સાડાછ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
રાજકોટમાં છેલ્લા કેટલાંક વર્ષોથી વરસાદનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. એનું એક કારણ મહાનગરપાલિકા દ્વારા કરાતા ધનિષ્ઠ વૃક્ષારોપણ છે. વરસાદ ખેંચી લાવે તેવા ઘટાદાર વૃક્ષોના વાવેતર કરવા અને મહાનગરપાલિકાએ મિયાવાંકી પ્લાન્ટેશનને અપનાવ્યું છે. આ પ્રકારના પ્લાન્ટેશનના કારણે શહેરમાં વડ, પીપળો, લિમડો, આંબલી, નીલગીરી, અરડુસી, રેઇનટ્રી, બહેડા, સીમળો, આંબા, ગુલમહોર, પીપીળ, સપ્તપર્ણી, સેમળો,ગરમાળો, બીલી, પારસ પીપળો, સરગવો, બોરસલી પ્રાગવડ, આસોપાલવ, ક્રિસમસ ટ્રી, રાવણ તાડ, ઉભા આસોપાલવ જેવા અનેક ઘટાદાર અને મોટા વૃક્ષોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અલબત, હજી ઉનાળામાં શહેરીજનોને રોડ રસ્તા પર રાહત આપે તેવા છાંયડો આપતા વૃક્ષોનું પ્રમાણ ઓછું છે. અને તેની સામે ફૂલ છોડની સંખ્યા વધુ છે.
વન વિભાગ દ્વારા છેલ્લે 2005માં વૃક્ષોની ગણતરી કરવામાં આવી ત્યારે, અંદાજે 3,30,000 વૃક્ષો હતા. આ સમયે વડોદરા, ગાંધીનગર જેવા શહેરો ગ્રિન કવરેજ એરિયામાં આવતા હતા. કારણકે ત્યારે આ શહેરોમાં સૌથી વધુ વૃક્ષો હતા. આમાં પણ વડોદરા ગ્રીન કવરેજ એરિયામાં સૌથી આગળ હતું. પણ રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા કેટલાંક વર્ષોથી મિયાંવાંકી પ્લાન્ટેશન શરૂ ર્ક્યું ત્યારબાદ રાજકોટ પણ હવે ગ્રિન કવરેજ એરિયા તરફ આગળ વધી રહ્યું હોય તેમ તેમાં પાંચ ટકાનો વધારો થયો છે. એક સમય એવો હતો કે પુર્વ મુખ્યમંત્રીના હોમટાઉનમાં જ છાંયડો શોધવા ધોળા દિવસે દિવો લઇને નીકળવું પડે તેવી હાલત હતી. પણ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષોનું મિયાવાંકી પધ્ધતિ અનુસાર સફળ પ્લાન્ટેશન શરૂ કરાતા વૃક્ષોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.
કોર્પોરેટરોને પીંજરા આપવાનું બંધ થયું અને વૃક્ષોની સંખ્યા વધવા માંડી
મહાનગરપાલિકા દ્વારા અગાઉ તમામ કોર્પોરેટરોને ટ્રી ગાર્ડ (પીંજરા) આપવામા આવતા હતા. આ પાછળનો ઉદ્દેશ એવો હતો કે, કોપોર્ર્રેટરો તેમના વિસ્તારમાં વૃક્ષો વાવે અને તેનું રક્ષણ થાય પણ, વર્ષો સુધી કોર્પોરેટરોને ટ્રી ગાર્ડ આપવા છતાં વૃક્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો નહોતો. રાજકોટના મેયર તરીકે ડો.પ્રદિપભાઇ ડવ હતા ત્યારે તેઓએ મહત્વપૂર્ણ નિર્ણય લઇને કોર્પોરેટરોને ટ્રી ગાર્ડ આપવાનું બંધ કરીને વૃક્ષારોપણ ક્ષેત્રે મહત્વનુ કામ કરનાર સંસ્થા સદભાવના ટ્રસ્ટ સાથે કરાર કરીને વૃક્ષારોપણ તેમજ ત્રણ વર્ષ સુધી જાળવણી કરવાની જવાબદારી સોંપી હતી. બીજીબાજુ મહાનગરપાલિકાએ પણ જાપાનની મિયાવાંકી પ્લાન્ટેશન પધ્ધતિ અપનાવી રાજકોટને હરિયાળું બનાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી આરંભી હતી. જેની અસર હવે ધીમેધીમે દેખાવા લાગી છે.
શાળા કોલેજો સહિતના શૈક્ષણિક સંકુલોમાં લીમડાની સંખ્યા વધુ
200પમાં જ્યારે વન વિભાગે વૃક્ષોની ગણતરી કરી ત્યારે, વૃક્ષોની સંખ્યામાં રાજકોટ ચોથા ક્મે હતું. લીમડા સહિતના ઘટાદાર વૃક્ષો 2005માં જુના રાજકોટ વિસ્તારમાં વધુ હતા. પણ, શહેરના વિકાસ સાથે જુના રાજકોટમાં પણ હવે વૃક્ષોનું સ્થાન સિમેન્ટના જંગલોએ લઇ લીધું છે. આ કારણે જુના રાજકોટ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષોની સંખ્યા ઉત્તરોત્તર ધટી રહી છે. બીજી બાજું શહેરની શાળા કોલેજો સહિતના શૈક્ષણિક સંકુલોમાં લીમડાની સંખ્યા વધી છે. આમાં સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ અને વિસ્તારમાં વૃક્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.