વોર્ડ નં. 15-16-17 અને 18ના નાગરિકોને ઘર આંગણે મળશે સુવિધા કમિશનર તુષાર સુમેરાને 2024-25ના બજેટની મહત્વાકાંક્ષી યોજનાને અગ્રતા આપવા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનું સુચન: મનપાની તિજોરી ભરવા પુર્વ કમિશનરે સાઉથઝોન કચેરીની યોજના પાડતી મુકી પ્લોટની હરાજી કરવા નિર્ણય લીધો હતો એ જ સ્થળે હવે ઝોન કચેરી બનશે
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વધતા જતાં વ્યાપ અને વિસ્તારને ધ્યાને લઇને મહાનરગપાલિકામાં ભળેલા વાવડી કોઠારિયા સહિતના વિસ્તારોના નાગરિકોને ઘરઆંગણે સુવિધા મળી રહે તે માટે સાઉથ ઝોન કચેરી બનાવવાની જાહેરાત કરીને વર્ષ 2024-25ના બજેટમાં રૂ.6 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. લાંબા સમયથી ઘોંચમાં પડેલી આ યોજના અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કમિશનર તુષાર સુમેરાને ચાલું નાણાંકિય વર્ષમાં જ અગ્રતા આપવા માટે જણાવ્યું છે. સાઉથ ઝોન કચેરી માટે કોઠારિયામાં લિજ્જત પાપડ પાસે 11 હજાર ચોરસમીટરની મહાનગરપાલિકાની જગ્યા પર પસંદગી ઉતારવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, તત્કાલિન કમિશનર દેવાંગ દેસાઇએ આ પ્લોટમાં સાઉથઝોન કચેરી બનાવવાને બદલે આ પ્લોટની હરાજી કરી મહાનગરપાલિકાની તિજોરી ભરવા નિર્ણય લીધો હતો. કોઠારિયામાં નવી સાઉથ ઝોન ઓફિસને કારણે વોર્ડ નં. 15-16-17 અને 18ની અંદાજે આઠથી નવ લાખની વસતીને ઘર આંગણે સુવિધા મળશે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ ગામો ભળવા સાથે શહેરનો વ્યાપ અને વિસ્તાર સતત વધી રહ્યો છે. જાન્યુઆરી-2015માં કોઠારિયા અને વાવડી તેમજ જૂન-2020માં મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર,માધાપર (મનહરપુર-1) સહિતના ગામો મહાનગરપાલિકા વિસ્તારમાં ભળતા શહેરનું ક્ષેત્રફળ વધીને 161.86 ચોરસ કિલોમીટર થયું છે. શહેરની વસતી અને વિસ્તાર વધવા સાથે શહેરીજનોને ઘર આંગણે મહાનગરપાલિકાની સુવિધા મળી રહે તે માટે હાલમાં કાર્યરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન, ઇસ્ટ ઝોન અને વેસ્ટઝોન કચેરીની જેમ કોઠારિયામાં સાઉથ ઝોન કચેરી કાર્યરત કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. તત્કાલિન કમિશનર દ્વારા રજુ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.50 કરોડની વધારાની 18 યોજના જાહેર કરી હતી જેમાં સાઉથ ઝોન માટે રૂ. 6 કરોડની ફાળવણી કરવામં આવી હોવાની જાહેરાત બજેટ બેઠકમાં કરવામાં આવી હતી. સાઉથ ઝોન કચેરી બનાવવા મહાનગરપાલિકાએ કોઠારિયામાં લિજ્જત પાપડ પાસેે આવેલી પોતાની જ માલિકીના જ 11 હજાર ચોરસમીટર પ્લોટ પર પસંદગી પણ ઉતારી હતી. પણ, મે મહિનામાં બનેલા ટીઆરપી અગ્નિકાંડ બાદ શહેરની અનેક યોજનાઓ સાથે સાઉથઝોન કચેરીની યોજનાનું પણ પડિકું વળી ગયુ હતું. એટલું જ નહીં તત્કાલિન કમિશનર દેવાંગ દેસાઇએ આ પ્લોટ જોયા બાદ સાઉથઝોન કચેરીને બદલે પ્લોટની હરાજી કરીને મહાનગરપાલિકાની તિજોરી ભરવાનો નિર્ણય લીધો હતો. જો કે તેમની બદલી બાદ હવે ફરીથી આ મહત્વાકાંક્ષી યોજના આગળ ધપી છે.યોજના સાકાર થયા બાદ આ ચારેય વોર્ડની અંદાજે આઠથી નવ લાખની વસતીને ઘર આંગણે મહાનગરપાલિકાની તમામ સુવિધા મળશે. આ નવી સાઉથઝોન કચેરીમાં રાજકોટમાં ભળેલા કોઠારિયા વાવડી ગામના વિસ્તારોનો વોર્ડ નં. 15-16-17 અને 18માં સમાવેશ કરાયો છે. આ ચારેય વોર્ડના નાગરિકોને આધારકાર્ડ, જન્મમરણના દાખલા સહિતની નાની મોટી અને સામાન્ય કામગીરી માટે વેસ્ટઝોન કચેરી સુધી લાંબું થવું પડતું હોય નાગરિકોના પ્રશ્ર્નોનો ઝડપી નિકાલ કરવા કોઠારિયા અથવા સોરઠિયા વાડી આસપાસના વિસ્તારોમાં સાઉથઝોન કચેરી બનાવવાનું આયોજન ગોઠવાયું હતું. આખરે કોઠારિયા ચોકડીથી ગોંડલ ચોકડી વચ્ચે લિજ્જત પાપડ પાસે આવેલા મહાનગરપાલિકા હસ્તકના 11 હજાર ચોરસમીટર પ્લોટ પર પસંદગી ઉતારવામાં આવી હતી. યોજનાને આખરી રૂપ આપવામાં આવે એ પહેલા ટીઆરપી અગ્નિકાંડ બનતા મહાનગરપાલિકાના જમીન ફાળવણીના તમામ નીતિ નિયમો બદલી ગયા હતા. અને, જમીન ફાળવણીની સત્તાનું સેન્ટ્રલાઈઝેશન કરીને ટીપીઓને સત્તા આપી દેવાઇ હતી. સાઉથ ઝોન કચેરી માટે તત્કાલિન કમિશનર દેવાંગ દેસાઇ સહિતના અધિકારીઓએ આ પ્લોટની મુલાકાત પણ લીધી હતી. પણ, મહાનગરપાલિકા હસ્તકનો 11 હજાર ચોરસમીટરનો આ પ્લોટ મોકાની જગ્યાએ હોય જો તેની હરાજી થાય તો રૂ. 6 કરોડના સાઉથ ઝોન કચેરીના ખર્ચ સામેે હાલની બજાર કિંમત મુજબ રૂ. 50થી 55 કરોડ મળે અને મહાનગરપાલિકાની તળિયાઝાટક તિજોરી છલકાઇ જાય તેમ લાગતા આ પ્લોટ પર કમિશનરે ચોકડી મારીને સાઉથ ઝોન કચેરી માટે અન્ય સ્થળ પસંદ કરવા અને આ મોકાની જગ્યાના પ્લોટની હરાજી કરીને રોકડી કરી મનપાની તિજોરી ભરવાના ઇરાદાથી યોજના પડતી મુકી દેવાઇ હતી.