વાંકાનેરના ઢુવાની સિરામિક ફેકટરીમાં બને આરોપીઓએ ભાગીદારી છુટી કર્યા બાદ વેપારીને ભાગીદાર બનાવી છેતરી લીધા : ચોટીલા પોલીસે એક આરોપીની કરી ધરપકડ
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટના વિવાદાસ્પદ અને સસ્પેન્ડેડ એએસઆઈ રાજેશ શીલુના બે ભાઈઓ સુરેશ અને મહેશ સામે ચોટીલાના વેપારીએ રૂા.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે એક ભાઈની ધરપકડ કરી બીજા ભાઈની શોધખોળ શરૂ કરી છે. બને આરોપીઓએ વાંકાનેરના ઢુવાની સિરામિક ફેકટરીમાં પોતાની ભાગીદારી છુટી કરી દીધી હોવા છતાં ચોટીલાના વેપારીને પોતે તેમાં ભાગીદાર છે તેમ જણાવી તેને પણ ભાગીદાર બનાવી રૂા. 80 લાખ ખંખેરી લીધા હતા.
મળતી માહિતી મુજબ ચોટીલાની મધુવન સોસાયટીમાં તનિષ્ક એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારી જીતેન્દ્રભાઈ લાલદાસભાઈ કરથીયા (ઉ.વ.69)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2015માં ચોટીલાની અમૃતનગર સોસાયટીમાં રહેતા હતા. ત્યારે પાડોશમાં મહેશ લાભશંકર શીલુ રહેતો હતો. જેને કારણે તેની સાથે સારા સંબંધ હતા. મહેશને તેનો ભાઈ સુરેશ અવાર-નવાર મળવા આવતો હોવાથી તેની સાથે પણ પરિચય થયો હતો. એક દિવસ બંને ભાઈઓએ તેને કહ્યું કે વાંકાનેરના ઢુવા ખાતે મિરેકલ સિરામીકમાં તેઓ ભાગીદાર છે. જો તેમને ભાગીદાર થવું હોય તો રૂા.80 લાખ આપવા પડશે. બદલામાં નફો અને નુકસાનીમાં બે-બે ટકાના ભાગીદાર તરીકે ઓફર કરી હતી. જેથી પોતે સહમત થઈ જતાં બંને ભાઈઓને રૂા. 80 લાખ આપી સ્ટેમ્પપેપર ઉપર લખાણ પણ કરાવ્યું હતું. ત્યાર પછી દર વર્ષે જે નફો-નુકસાન થાય તે બંને ભાઈઓ આપતા હતા. બાદમાં લેવાના નીકળતા પૈસા બંને ભાઈઓએ આપ્યા ન હતા. એટલું જ નહીં પછી આપી દેશું તેમ મૌખીક રીતે જણાવ્યું હતું. આમ છતાં પૈસા નહીં આપતાં તે પરિવારના સભ્યો સાથે બંને ભાઈઓની ઓફિસે ગયા હતા. જયાં બોલાચાલી અને ઝઘડો થતાં મહેશે તે વખતે ચોટીલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પણ બને ભાઈઓએ 2 ટકા ભાગીદારીના કે રૂા. 80 લાખ પરત આપ્યા ન હતા.
આખરે પોતાની રીતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મિરેકલ સિરામીકમાં 2011થી બંને ભાઈઓ 3-3 ટકાના ભાગીદાર હતા. ર014માં બને ભાઈઓ ભાગીદારીમાંથી નીકળી ગયા હતા. આમ છતાં તેને ભાગીદાર બનાવી તેની પાસે રૂા. 80 લાખ લઈ, ખોટો સમજૂતિ કરાર પણ કરી આપ્યો હતો. આ રીતે બને આરોપીઓએ વિશ્વાસઘાત, છેતરપિંડી કરતાં આખરે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી મહેશ શીલુની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યો હતો.