કમુહૂર્તા હોવા છતાં રાજકોટ શહેરના જુદા-જુદા આઠ ઝોનમાં 7987 દસ્તાવેજોની નોંધણી થઇ, ડિસેમ્બરમાં રાજકોટની સબરજિસ્ટ્રાર કચેરીને રૂ. 80.87 કરોડની આવક : રૈયા હેઠળના ઝોન-4માં 10 દિવસનું વેઇટિંગ હોઇ સ્લોટ વધારાયો, સૌથી વધારે દસ્તાવેજો શહેરના મવડીમાં મોરબી રોડ ઉપર તેમજ રતનપર, ગોંડલમાં નોંધાયા : સપ્ટેમ્બરમાં 11784, ઓકટોબરમાં 14484, નવેમ્બરમાં 9645 દસ્તાવેજોની નોંધણી થઇ હતી જ્યારે ડિસેમ્બરમાં ગત મહિના કરતા વધારે દસ્તાવેજો નોંધાયા
(આઝાદ સંદેશ), રાજકોટ : આગામી એપ્રિલ-2025થી નવી જંત્રી અમલમાં આવે તેવી શકયતાને ધ્યાનમાં રાખી રાજકોટ સહિત રાજ્યના મોટા શહેરોમાં રિયલ એસ્ટેટનું માર્કેટ કમુહૂર્તામાં પણ ટોપ ગિયરમાં જઇ રહ્યું છે. રાજકોટમાં ગત મહિનો એટલે કે નવેમ્બરમાં શહેરના જુદા-જુદા આઠ ઝોન હેઠળના વિસ્તારોમાં 5901 દસ્તાવેજોની નોંધણી થઇ હતી તેના પ્રમાણમાં ડિસેમ્બર મહિનાના 15 દિવસ કમુહૂર્તામાં પસાર થઇ ગયા હોવા છતાં આ મહિનામાં 7987 દસ્તાવેજોની શહેરના આઠેય ઝોન હેઠળના વિસ્તારોમાં નોંધાયા છે. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ શહેરના ઝોન-4 રૈયાની ઝોન કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે 10 દિવસનું વેઇટિંગ ચાલતું હતું. અત્રે એ ઉલ્લેખનિય છે કે, સુચિત જંત્રીના વધારા બાબતે ઓનલાઇન તેમજ ઓફલાઇન સૂચનો રાજ્ય સરકાર તરફથી મંગાવવામાં આવ્યા છે. જાન્યુઆરી મહિનો સૂચનો મોકલવા માટે છેલ્લો છે ત્યારે રાજકોટ સહિત રાજ્યભરમાંથી જંત્રીના સુચિત ભાવ વધારા બાબતે ઢગલાબંધ સૂચનો એકઠાં થયા છે, બીજી તરફ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ડિસેમ્બર મહિના દરમિયાન 13255 દસ્તાવેજોની નોંધણી થઇ હતી. ઉપરોકત દસ્તાવેજોની નોંધણી પેટે સરકારની તિજોરીમાં રૂ. 80.87 કરોડ એકલા રાજકોટમાંથી જ જમા થયા છે. સ્ટેમ્પ ડ્યુટી, દસ્તાવેજમાં ઉપયોગમાં લેવાયેલ રકમ સહિતનો ખર્ચનો સમાવેશ થાય છે.
રાજકોટ શહેરમાં અમુક વિસ્તારનો વિકાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે એક તરફ મોરબી રોડ, બીજી તરફ રૈયા, માધાપર, જામનગર રોડ, અટલ સરોવર, નવા રેસકોર્સ તરફના વિસ્તારનો વ્યાપ વધી રહ્યો છે જેના પગલે શહેરના મવડી શેઠળના વિસ્તારોના ઝોન-6માં 1275, મોરબી રોડના ઝોન-2માં 1554, રૈયામાં 873 દસ્તાવેજો નોંધાયા છે. જ્યારે ગોંડલ શહેર તેમજ આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ બાંધકામની દ્રષ્ટિએ વધ્યો છે. ગોંડલમાં ડિસેમ્બર મહિના દરમિયાન 1325 દસ્તાવેજોની નોંધણી થઇ છે. રતનપર હેઠળના ઝોન-3માં 995 દસ્તાવેજો નોંધાયા છે. જંત્રીના પગલે જરૂરિયાતમંદ લોકો બેન્કમાંથી કે હાઉસીંગ ફાયનાન્સની લોન મેળવી એપ્રિલ પૂર્વે મકાનની ખરીદી કરી દસ્તાવેજ નોંધાય તેના માટે દોડધામ કરી રહ્યા છે.