રામનાથપરા મેઇન રોડ પરથી ક્રિકેટનો સટ્ટો રમાડતો એજાજ ઉર્ફે કાલી દબોચાયો
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશ ઝાએ દારૂ અને જુગારની બદીઓને ડામી દેવા સુચના આપી હોય જેને અનુસરીને યુનિ.પોલીસે પત્તા રમતી 8 મહિલાઓ જ્યારે કુવાડવા રોડ પોલીસે 5 શખસોને ઝડપી પાડયા છે તેમજ પીસીબીએ ક્રિકેટનો સટ્ટો રમાડતા શખસને દબોચી લઇ વધુ કાર્યયાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરની સુચનાને ઘ્યાને લઇ યુનિ.પોલીસ મથકનો સ્ટાફ જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય ત્યારે મળેલ બાતમીના આધારે રૈયા ટેલીફોન એક્ષ્ચેન્જ પાસે આવેલ તુલસી એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડો પાડી પત્તા ટીંચી રહેલ ભારતી ધ્રુવ (ઉ.60), કવિતા આપલાણી (ઉ.40), ચેતના સંઘાણી (ઉ.40), એકતા કેશરીયા (ઉ.38), અલ્પા ઉનડકટ (ઉ.42), વનિતા ગોસ્વામી (ઉ.61), બીના શાહ (ઉ.53) અને નીતા દોમડીયા (ઉ.49)ને રૂા.29150/-ની મતા સાથે દબોચી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ બી.પી.રજીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ કુવાડવા ગામે દરોડો પાડી પત્તા ટીંચી રહેલા પ્રેમજી અઘોલા (ઉ.56), ભરત મારવાણીયા (ઉ.49), ભુપત બહુકીયા (ઉ.54), રણછોડ આબસણીયા (ઉ.40), લાખા લામકા (ઉ.50)ને રૂા.41550/-ની મતા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે રામનાથપરા મેઇન રોડ પર આવેલ જુની જેલના ગેઇટ પાસે રહેલ ફુટપાથ પર બેસી એજાજ ઉર્ફે કાલી મેણ (ઉ.35) ક્રિકેટનો સટ્ટો મોબાઇલ પર રમાડી રહ્યો હોય તેવી બાતમી મળતા તેના આધારે દોડી જઇ તેને દબોચી લઇ રૂા.25000ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.