એલસીબી ઝોન-1ની ટીમના હેડ કોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. સત્યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી : અગાઉ ચોરીઓ, માદક પદાર્થ, દારૂ સહિત 8 ગુનાઓમાં સંડોવણી ખુલી : હાલ રાજકોટ ઓરડી ભાડે રાખી રહેતો’તો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળ કોઠારીયા રોડ મોરારીનગર-6માં આવેલા જલારામ કૃપા નામના કૌશલભાઇ મહેશભાઇ માધાણીના મકાનના તાળા તોડી પખવાડિયા પૂર્વે રોકડા 65 હજાર તેમજ ચાંદીના દાગીના મળી કુલ 70 હજારની ચોરી કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ એલસીબી ઝોન-1 ટીમે ઉકેલી હાલ નાડોદાનગર પૂલ પાસે દુધીબેનની ઓરડીમાં ભાડેથી રહેતાં મુળ જુનાગઢ કાળવા ચોક દશામાના મંદિર પાસે રહેતાં કિરણ કાળુભાઇ સોલંકી (ઉ.વ.23) નામના દેવીપૂજક શખ્સને નાડોદાનગર મેઇન રોડ પરથી પકડી લઇ ચાંદીની ઝાંઝરી, સાંકળા, હાથના કડલા, રોકડા રૂપિયા 45 હજાર મળી કુલ 48 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ચોરીના ગુના ડિટેક્ટ કરવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. સત્યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને દિવ્યરાજસિંહ જાડેજાને માહિતી મળતાં કિરણ સોલંકીને પકડી લીધો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આ શખ્સ રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. મોજશોખ પુરા કરવા ચોરીઓ કરતો રહે છે. અગાઉ તે જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં ચોરી, દારૂ, માદક પદાર્થ સહિતના 8 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.