રાજકોટમાં યોજાનારા ના કાર્યક્રમને લઈને હવે શહેરમાં વિવાદનું વાતાવરણ વધુ ગરમાયું છે. કાર્યક્રમ પહેલા જ વિરોધના સૂર ઉઠતા સામાજિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. રાજકોટના એડવોકેટ અને સામાજિક કાર્યકર એ પ્રેસ સમક્ષ આ કાર્યક્રમ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આ કાર્યક્રમને ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો કાર્યક્રમ નહીં પરંતુ “અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ” ગણાવ્યો હતો.
પુરષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે સમાજમાં ધાર્મિક આસ્થા હોવી સ્વાભાવિક છે, પરંતુ ચમત્કાર, તાંત્રિક શક્તિઓ અને મેલીવિદ્યાના નામે લોકોમાં ડર અને અંધવિશ્વાસ ઉભો કરવો ગંભીર બાબત છે. તેમણે આરોપ લગાવ્યો કે આવા કાર્યક્રમો દ્વારા સામાન્ય લોકોની લાગણીઓ સાથે રમત રમવામાં આવે છે અને ભયના માહોલનો લાભ લઈ આર્થિક રીતે લોકોનું શોષણ કરવામાં આવે છે. “લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેમની નબળાઈનો ફાયદો ઉઠાવવો એ પણ એક પ્રકારનો ગુનો છે,” એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે દુનિયામાં કોઈ ચમત્કારિક શક્તિઓ હોતી નથી અને કોઈપણ વ્યક્તિ મેલીવિદ્યા અથવા તાંત્રિક ક્રિયાઓ દ્વારા બીજાનું નુકસાન કરી શકે તેવો દાવો માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. પુરષોત્તમ પીપળીયાએ ખુલ્લો પડકાર આપતા કહ્યું કે કોઈપણ “ચમત્કારિક બાબા” હોય તો તેઓ તેમની સામે આવી પોતાની શક્તિ અજમાવે, તેઓ તેનો સામનો કરવા તૈયાર છે.
આ સાથે તેમણે સમાજમાં વધતી અંધશ્રદ્ધાના જોખમો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, લોકોમાં ભય અને અજ્ઞાનતાનો માહોલ ઉભો કરીને કેટલીક જગ્યાએ ખતરનાક પ્રથાઓને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. “કમળ પૂજા” જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આવી માનસિકતા સમાજ માટે ખતરનાક સાબિત થઈ રહી છે અને તેના કારણે અનેક લોકો માનસિક તેમજ આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે.
સરકાર અને પ્રશાસન સામે પણ તેમણે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્યમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો હોવા છતાં તેની અસરકારક અમલવારી થતી નથી. રાજકીય લાભ અને મતબેંકના કારણે આવા કાર્યક્રમો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. “સરકાર મૌન રહીને આવા કાર્યક્રમોને એક રીતે પ્રોત્સાહન આપી રહી છે, જે ગંભીર બાબત છે,” એમ કહી તેમણે સરકારની ભૂમિકા પર પણ સવાલો ઊભા કર્યા હતા.
રાજકોટમાં યોજાનારા આ કાર્યક્રમને લઈને હવે સમર્થકો અને વિરોધીઓ વચ્ચે મતભેદ સ્પષ્ટ રીતે સામે આવી રહ્યા છે. એક તરફ મોટી સંખ્યામાં લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીજીના કાર્યક્રમને આધ્યાત્મિક અને ધાર્મિક ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ અંધશ્રદ્ધા વિરોધી વિચારો ધરાવતા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા અને રાજકીય પ્રતિક્રિયાઓ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


