(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટમાં એક બસ ડ્રાઇવર તેના શેઠની રેન્જ રોવર હાથમાં આવી જતા તે લઇને નીકળ્યો હતો. જે દરમિયાન સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પોલીસ કમિશ્ર્નર બંગલા નજીકના સર્કલ ઉપર ચડી ગઇ હતી. જો કે સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ વહેલી સવારે પુરપાટ વેગે નીકળેલી રેન્જ રોવર કાર બેકાબુ બની રેસકોર્સ રીંગ રોડ પર સ્થિત પોલીસ કમિશ્ર્નરના બંગલા નજીકના અને હેડ ક્વાર્ટરના ગેઇટ સામે આવેલ સર્કલ પર ચડી જતા મોર્નીંગ વોકર્સ ઉમટી પડયા હતા. જાણ થતા પ્ર-નગર પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બેદરકારીપુર્વક અને બીજાની જિંદગી જોખમાય તે રીતે ડ્રાઇવીંગ કરવા અંગે ગુનો નોંધી કાર ચાલક ભાવેશ રણમલભાઇ દયાતરની ધરપકડ કરી હતી. ધંટેશ્ર્વર ગામમાં રહેતા જયરાજ ખીમજીભાઇ ચીરોડીયા (ઉ.22)એ પોલીસને જણાવ્યું કે તે શ્રી મારૂતિ ટ્રાવેલ્સમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. આજે સવારે તેની સાથે નોકરી કરતા મીકેનીક ઇકબાલ અબ્દુલભાઇ લાખા અને ડ્રાઇવર તરીકે નોકરી કરતા ભાવેશ આજીડેમ પાસે આવેલી ઓફીસે હાજર હતા. જ્યાંથી રૈયા ચોકડીએ આવેલી મેઇન ઓફીસે જવાનું થતા બીજું કોઇ વાહન ન હોવાથી શેઠની રેન્જ રોવર કાર લીધી હતી. જે બસ ચલાવતા ભાવેશે ડ્રાઇવ કરવાનું શરૂ કર્યું હતું. રેસકોર્સ રીંગ રોડ પર પહોંચ્યા ત્યારે હેડ ક્વાર્ટસ સામે આવેલા સર્કલ પાસે કાર ડિવાઇડરને અડી જતા તેનું આગલું ટાયર ફાટી ગયું હતું. જેને કારણે ગભરાઇ ગયેલા ભાવેેશે બ્રેકને બદલે એક્સેલેટર દબાવતા કાર સર્કલ પર ચડી ગઇ હતી. આ અકસ્માતને પગલે કારની ચાર થી પાંચ એરબેગ ખુલી ગઇ હતી. સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી. ડ્રાઇવર પીધેલો હોવાની જાણ પોલીસને થઇ હતી. જેને કારણે પોલીસે તત્કાલ ડ્રાઇવરની શોધખોળ કરી ધરપકડ કરી હતી પરંતુ તે નશાખોર હાલતમાં નહીં હોવાનું બહાર આવ્યું હતું.