ડિસેમ્બર માસ દરમિયાન જ અલગ અલગ રાજ્યોમાં નવ કેસ નોંધાયા હતા, તમામ દર્દી સ્વસ્થ
(આઝાદ સંદેશ) રાજકોટ : દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ ચીની વાઇરસે ફરી ચર્ચા જગાવી છે ત્યારે સાવચેતીના પગલાંરૂપે અને જરૂર પડ્યે રાજકોટની પીડીયુ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છેે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પણ તમામ આરોગ્ય કેન્દ્રમાં કોઇપણ દર્દીને અને ખાસ કરીને બાળકોને શરદી તાવ ઉધરસ દવા લીધા બાદ પણ મટતા નહોય તો બાળકોના તબીબો પાસે મોકલવા માટે સુચના આપવામાં આવી છેે. અલબત હજી રાજકોટમાં ચીની વાઇરસનો એકપણ કેસ નોંધાયો નથી પણ, જો કેસ જાહેર થશે તો આવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ ચકાસણી કરવામાં આવશે. બીજી બાજું ડિસેમ્બર માસ દરમિયાન દેશના અલગ અલગ રાજ્યોમાં નવકેસ નોંધાયા હતા. આ તમામ દર્દીઓ સ્વસ્થ છે. અને તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ચીની વાઇરસના પગલે અમદાવાદની હોસ્પિટલોમાં ટેસ્ટિંગ શરૂ કરવા આદેશ અપાયો છે. આવી જ રીતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ શરદી તાવ ઉધરસના દર્દીઓનું ટેસ્ટિંટ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વાઇરસ કોરોનાની જેમ ફેંફસા અને શ્ર્વસન ક્રિયા પર અસર કરે છે.ખાસ કરીને બાળકો અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા વૃધ્ધોને આ વાઇરસ વધુ અસર કરી શકે તેમ છે. શરદી તાવ ઉધરસ બાદ ન્યુમોનીયાને કારણે ફેલાતા આ વાઇરસથી ગભરાવવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે.