બુધવાર, જૂન 10, 2026

ઈ-પેપર

બુધવાર, જૂન 10, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છઆણંદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી

આણંદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી

આણંદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી મહિલા પોલીસ સ્ટેશનની બે મહિલા પોલીસ કર્મચારીઓને રૂ. 1.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મહિલા પોલીસ સ્ટેશન આણંદમાં ફરજ બજાવતા વુમન એએસઆઈ ગીતાબેન કમજીભાઈ દોઠા અને વુમન હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ફરિયાદી અને તેમના પરિવારજનો વિરુદ્ધ પુત્રવધુ દ્વારા કરવામાં આવેલી અરજીના મામલે હેરાન ન કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ન લેવા બદલ આક્ષેપિતોએ રૂ. 1,10,000ની લાંચની માંગણી કરી હતી. અરજીની તપાસ પુષ્પાબેન ગરાસીયા કરી રહ્યા હતા.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આક્ષેપિત ગીતાબેન દોઠાએ ફરિયાદી પાસેથી રૂ. 1,10,000ની લાંચ સ્વીકારી હતી. બંને આક્ષેપિતોએ એકબીજાની મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે.
આ કાર્યવાહી આણંદ રેલવે સ્ટેશન નજીક રેલવે ગોદી વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકી પાછળ જાહેર સ્થળે કરવામાં આવી હતી. ACBએ લાંચની સંપૂર્ણ રૂ. 1,10,000ની રકમ કબજે કરી બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા.
ટ્રેપિંગ ઓફિસર તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શેઠ અને ACB અમદાવાદ શહેરની ટીમે કામગીરી કરી હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક એમ.એચ. પુવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે નાયબ નિયામક હરેશ મેવાડા ઇન્ચાર્જ અધિકારી રહ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર