લતીફ સોંગણીયા સગાને ટીફીન આપવા જતો હતો ત્યારે બનાવઃ રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ
રાજકોટ : રસ્તા પર અચાનક ખૂંટીયા, ઢોર આવી જવાને કારણે અકસ્માતના બનાવ અવાર-નવાર બનતા હોય છે. દરમિયાન જામનગર નજીક આવેલ દેવભુમિ દ્વારકાના ખંભાળીયા તાબેના સલાયામાં રોડ પર ખૂંટીયો આડે આવી જતાં બાઇક સ્લીપ થઇ જતાં ચાલક સલાયાના ૨૦ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ સલાયામાં રહેતો લતીફ હામીદભાઇ સોંગણીયા (ઉ.વ.૨૦) નામનો યુવાન તા. ૬/૯ના સાંજે આઠેક વાગ્યે બાઇક હંકારીને સગાને ટીફિન આપવા જતો હતો ત્યારે સલાયા-ખંભાળીયા વચ્ચેના રોડ પર અચાનક ખૂંટીયો આવી જતાં બાઇક તેની સાથે અથડાઇ જતાં પોતે રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી.
સારવાર માટે સ્થાનીક હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ ઇજા હોઇ રાજકોટ ખસેડવાનું જણાવાતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહિ તેનું ગત સાંજે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે સલાયા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર લતીફ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. તે પિતા સાથે છકડા રિક્ષાના ફેરા કરી પરિવારને મદદરૂપ થતો હતો. યુવાન અને આધારસ્તંભ દિકરાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.


