રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓએ ગઈકાલે સિવિક સેન્ટરની મુલાકાત દરમિયાન અરજદારોને પડતી મુશ્કેલીઓનો જાતે જ અનુભવ કર્યો હતો. વિવિધ કામકાજ માટે મોટી સંખ્યામાં આવતા નાગરિકોને લાંબા સમય સુધી ઉભા રહેવું પડતું હોવા ઉપરાંત પીવાના પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવની ફરિયાદો પણ સામે આવી હતી. આ સ્થિતિને ગંભીરતાથી લઈ પદાધિકારીઓએ તાત્કાલિક અધિકારીઓને જરૂરી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.
પદાધિકારીઓની સૂચના બાદ સિવિક સેન્ટરમાં અરજદારો માટે બેસવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાહ જોતા નાગરિકોને અગવડતા ન પડે તે માટે વધારાની ખુરશીઓ મૂકવામાં આવી છે. સાથે જ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને નાગરિકોને છાશનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે વિવિધ વિભાગોમાં કામ માટે આવતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
મનપા તંત્રનું કહેવું છે કે નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર સેવા મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સિવિક સેન્ટરમાં આવતા દરેક અરજદારને સરળતાથી અને સમયસર સેવા મળી રહે તે માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે. પદાધિકારીઓએ પણ અધિકારીઓને નાગરિકલક્ષી અભિગમ અપનાવી અરજદારોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.


