રાજકોટના વ્યસ્ત સોની બજાર વિસ્તારમાં આવેલ દિયા ગોલ્ડ પોલિસિંગ નામની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાની સાથે જ દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસની દુકાનો ખાલી કરાવવામાં આવી હતી અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ ફાયર વિભાગની ચાર ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરી હતી. સાંકડા રસ્તા અને ભીડભાડ વચ્ચે ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ વધુ ફેલાય નહીં તે માટે આસપાસની દુકાનોમાં રહેલા લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ફાયર વિભાગ દ્વારા ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રહેલા માલસામાનને નુકસાન પહોંચ્યાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.


