ગાંધીનગર: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અર્ધલશ્કરી દળોના નિવૃત્ત કર્મચારીઓએ ગાંધીનગર ખાતે એકત્ર થઈ પોતાની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓને લઈને સરકારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. નિવૃત્ત કર્મચારીઓએ જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે વર્ષો સુધી સેવા આપ્યા બાદ પણ આજે તેઓ અનેક મૂળભૂત સુવિધાઓ અને હકો માટે સંઘર્ષ કરી રહ્યા છે.
નિવૃત્ત જવાનોની મુખ્ય માંગણીઓમાં જિલ્લા સ્તરે અર્ધલશ્કરી કલ્યાણ બોર્ડની રચના, જૂની પેન્શન યોજના ફરી અમલમાં મૂકવી અને CAPF જનરલ એડમિનિસ્ટ્રેશન બિલ-2026 પાછું ખેંચવાની માંગ સામેલ છે. તેમના જણાવ્યા મુજબ આ બિલથી અર્ધલશ્કરી દળોના કર્મચારીઓના હકો અને સુવિધાઓ પર અસર પડી શકે છે.
આ ઉપરાંત તેમણે જિલ્લા કક્ષાએ CSD અને CGHS જેવી આરોગ્ય તથા જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરી હતી. નિવૃત્ત કર્મચારીઓએ જણાવ્યું કે હાલમાં ઘણી જગ્યાએ આ સુવિધાઓના અભાવે પૂર્વ જવાનો અને તેમના પરિવારજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાથે જ ભૂતપૂર્વ અર્ધલશ્કરી કર્મચારીઓને નિવૃત્ત સૈનિકનો દરજ્જો આપવામાં આવે તેવી પણ તેમની લાંબા સમયથી માંગ છે.
પૂર્વ કર્મચારીઓએ સરકાર સમક્ષ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે સરકારને વિનંતી કરી કે દેશસેવામાં જીવનનો મહત્વનો સમય આપનાર જવાનોને યોગ્ય સન્માન અને સુવિધાઓ આપવામાં આવે તેમજ તેમની માંગણીઓ અંગે તાત્કાલિક સકારાત્મક પગલાં લેવામાં આવે.


