રાજકોટ શહેરના વ્યસ્ત સોની બજાર વિસ્તારમાં આવેલી દિયા ગોલ્ડ પોલિસિંગ નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં જ આસપાસના વેપારીઓ અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ દુકાનમાં આગ ઝડપથી ફેલાતા ભારે ધુમાડાના ગોટેગોટા ઊઠ્યા હતા. આગ દરમિયાન દુકાનમાં રહેલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની માહિતી પણ સામે આવી રહી છે, જેના કારણે આસપાસના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સોની બજાર વિસ્તાર ગીચ અને સાંકડી ગલીઓ ધરાવતો હોવાથી ફાયર વિભાગને કામગીરી દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. છતાં ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ દુકાનમાં રાખેલો સામાન બળી જતાં મોટું આર્થિક નુકસાન થયાનું માનવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, જોકે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


