(આઝાદ સંદેશ),રાજકોટ: જામકંડોરણામાં રહેતા ખેડૂતના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી રોકડ-દાગીના મળી રૂા.8.25 લાખની ચોરી કરી ગયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ જામકંડોરણામાં રહેતા અને ખેતીવાડી કરતા સંજય કરશનભાઇ બાલધાએ જામકંડોરણા પોલીસમાં પોતાના ઘરમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા.14ના તે પરિવાર સાથે અમદાવાદ વાસ્તાના પ્રસંગમાં ગયા હતા. બીજા દિવસે પાડોશમાં રહેતા રેખનાબેનનો તેની પત્ની પર ફોન આવ્યો અને કહ્યું કે તમારા ઘરનો મેઇન દરવાજો ખુલ્લો છે. જેથી મે મારા કૌટુંબીક ભાવેશ તથા કૌશીકભાઇને ઘરે જઇ તપાસ કરવાનું કહ્યું હતું. બાદમાં કૌશીકભાઇનો ફોન આવ્યો અને કહ્યું કે ઘરના દરવાજાના તાળા, નકુચા તથા રૂમના કબાટ તુટેલા છે અને સમાન વેરવિખેર પડેલ છે. તમારા ઘરમાં ચોરી થયાની વાત કરતા પત્ની, પુત્ર ધોરાજીથી નીકળી ઘર ગયા અને તપાસ કરતા ચોરી થયાની તેને ફોનમાં વાત કરી હતી. જેથી તે પરિવાર સાથે અમદાવાદથી નીકળી ઘરે પહોંચ્યા હતા. ઘરના કબાટમાં રાખેલ રોકડ 6 લાખ, સોનાની માળા રૂા.1.75 લાખ મળી કુલ રૂા.8.25 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પીઆઇ એલ.જી.નકુમે ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી છે.
જામકંડોરણામાં ખેડૂતના બંધ મકાનમાંથી રૂ.8.25 લાખની ચોરી
