(આઝાદ સંદેશ), રાજકોટ : લોધીકા તાલુકાના પારેવાડામાં સગીરા સાથે નડિયાદના શખસે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે લોધિકા પોલીસમાં ગુનો દાખલ થયો છે. મળતી માહિતી મુજબ, લોધિકાના પારેવાડા ગામે મગફળી મિલના કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની સગીર દીકરીને પેટમાં દુ:ખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા સગીરા સગર્ભા હોવાનું ડોકટરે જણાવેલ હતું. જેની પુછપરછમાં તેણે સાથે ત્યાં જ કામ કરતા અર્જુન નામના નડિયાદના યુવાને દુષ્કર્મ આચાર્યું હોવાનું જણાવતા સગીરાના માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ અંગેની જાણ થતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ સગીરાનું નિવેદન લેતા જાણવા મળેલ કે, અર્જુને આઠ માસ પહેલા તેણી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. સગીરાના પિતાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરાયો છે. પિતાએ જણાવેલ કે, આરોપીનું નામ અર્જુન વાલજી છે. તે નડિયાદનો રહેવાસી છે. અર્જુને તેની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી માખાવડ રોડ પર આવેલ મગફળીની મિલની ઓરડીમાં લઈ ગયો હતો. જ્યાં કુકર્મ કર્યું હતું. દીકરી ગભરાઈ ગઈ હતી એટલે કોઈને વાત કરી નહોતી. જોકે સગીર પુત્રીને પેટમાં દુ:ખાવો થતો હોવાથી રાજકોટ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોકટરે સગીરા સગર્ભા હોવાનું જણાવ્યું હતું.
લોધીકાના પારેવાડામાં પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે નડિયાદના શખસનું દુષ્કર્મ : ગર્ભવતી બનાવી, ગુનો દાખલ
