(આઝાદ સંદેશ),રાજકોટ: મોરબી જિલ્લામાં ટ્રકમાં ડીઝલને બદલે સસ્તાભાવે મળતું જવલનશીલ પ્રવાહી ભરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને ડીવાયએસપીની સંયુક્ત ટીમે પીપળીયા ચોકડી નજીક દરોડો પાડી શંકાસ્પદ પ્રવાહી ભરાવવા આવેલ બે ટ્રક અને શંકાસ્પદ પ્રવાહી ભરેલ એક મીની ટેન્કર સહિત રૂ.72.25 લાખના મુદામાલ સાથે બે ઈસમોને ઝડપી લઈ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ટ્રક અને લકઝરી બસોમાં ડીઝલના બદલે પર્યાવરણને નુકશાન થાય તેવા એલડીઓનો વપરાશ કરવામાં આવતો હોવાનું જગજાહેર છે ત્યારે મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક રાધેક્રિષ્ના હોટલ પાછળ આરોપી ધર્મેશ ઉર્ફે હકાભાઈ બાબુભાઇ ચાવડા નામના વ્યક્તિ દ્વારા પોતાના ડેલામાં ટ્રક સહિતના ભારે વાહનોમાં ઈન્ડસ્ટ્રીયલ ઓઈલ તરીકે ઓળખાતું કેમિકલ ભરી આપતો હોવાની બાતમી મળતા મોરબી એલસીબી અને ડીવાયએસપીની ટીમે સંયુક્ત રેઇડ કરતા ટ્રકમાં કેમિકલ નખાવવા આવેલ આરોપી રાજુસિંહ મુન્નાલાલ ઠાકોર રહે.રાજસ્થાન અને આરોપી વિનોદસિંગ જાનકીપ્રસાદ ઠાકોર રહે.ઉત્તરપ્રદેશ નામના શખસ રંગે હાથ ઝડપાઈ ગયા હતા.જો કે, કેમિકલ ભરી આપનાર શખ્સ મુખ્ય સૂત્રધાર ધર્મેશ ઉર્ફે હકાભાઈ બાબુભાઈ ચાવડા પોલીસને હાથ લાગ્યો ન હતો.
વધુમાં મોરબી એલસીબી અને ડીવાયએસપીની ટીમે બનાવ સ્થળેથી આરોપીઓના કબ્જામાથી જીજે- 18-એએક્સ-5206 અને જીજે-23-એટી -5074 નંબરના બે ટ્રક કિંમતરૂપિયા 60 લાખ, રૂ.10લાખની કિંમતનું એક મીની ટેન્કર, 2500 લીટર શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી તેમજ 50 હજારની કિંમતનો ઈ લેક્ટ્રોનિક ફ્યુલ પંપ મળી કુલ રૂપિયા 72.25 લાખનો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી આરોપી ધર્મેશ ઉર્ફે હકાભાઈ બાબુભાઈ ચાવડાને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી હતી.
મોરબીની પીપળિયા ચોકડી પાસેથી 2500 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું : પોણા કરોડનો મુદ્દામાલ જપ્ત
