ડિહાઇડ્રેડ ઓનીયનનો જથ્થો રાજસ્થાનની પેઢીના નામે મંગાવી 3 શખસોએ નાણા ન ચુકવતા સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ
(આઝાદ સંદેશ),રાજકોટ: જામનગરની એક કંપની ઓનલાઇન ચીટર ટોળકીનો શિકાર બની રાજસ્થાનની પેઢીના નામે રૂપિયા 16.51 લાખનો ડીહાઇડ્રેડ ઓનીયનનો જથ્થો મંગાવી લીધા બાદ નાણા ચુકવવા માટે હાથ ખંખેરી લેવા અંગે રાજસ્થાન, ભાવનગર અને જામનગરના ત્રણ શખસો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ જામનગરમાં બુક બોન્ડ ગ્રાઉન્ડની સામે આવેલી ઓશિયાનિક ફુડ લીમીટેડ નામની કંપની કે જેમાં જયદીપભાઇ મહેન્દ્રભાઇ ભુત સેલ્સ એક્ઝિક્યુટીવ તરીકે વર્ષોથી નોકરી કરે છે. જેણે જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં રાજસ્થાનના રવિકુમાર નાઇ જામનગરના રાહુલ ગાગીયા અને ભાવનગરના નીકુંજ ગોસ્વામી સામે રૂા.16,51,640ની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત ત્રણેય આરોપીએ ભેગા મળીને ગત જાન્યુઆરી માસમાં કંપનીમાંથી વોટસએપ કોલીંગના માઘ્યમથી ડીહાઇડ્રેડ ઓનીયન ખરીદી કરી હતી અને સાડા દસ હજાર કિલોગ્રામ જેટલો ઓનીયનનો જથ્થો ખરીદ કર્યા પછી તેની 16 લાખ 51 હજારની રકમનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી નાણાના અભાવે પાછો ફર્યો હતો. ત્યારબાદ રકમની માંગણી કરવા જતા ત્રણેયે પોતાના મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હોવાથી રાજસ્થાન સુધી વેપારી દ્વારા તપાસ કરી લેવામાં આવી હતી પરંતુ આરોપી અથવા તેની પેઢીનો કોઇ પત્તો સાંપડયો ન હોવાથી આખરે આ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે અને તપાસનો દોર રાજસ્થાન તેમજ ભાવનગર સુધી લંબાવ્યો છે.